Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વીજબીલમાં યુનિટ દીઠ ચાર્જ ૭.૨૯થી વધીને રૂપિયા ૯.૭૬ થઇ ગયા તે અહેવાલ સાચા નથી : વીજ તંત્ર

ફયુલ સરચાર્જમાં હાલ કોઇ વધારો કરાયો નથી : તેઓ ચાર્જ ૨.૬૦ લેખે વસૂલાય છે

રાજકોટ તા. ૨૬ : પીજીવીસીએલ - વીજ તંત્રે એક અહેવાલ બાબતે સ્‍પષ્‍ટતા કરી છે કે રાજય સરકાર હસ્‍તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ફયુલ સરચાર્જ (FPPPA) માં હાલમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી અને ફયુલ સરચાર્જની વસુલાત જુલાઈ ૨૦૨૨ ની અસરથી રૂ. ૨.૬૦ પ્રતિ યુનિટનાં દરથી જ કરવામાં આવી રહેલ છે. આમ, ફયુલ સરચાર્જ (FPPPA) માં વધારો થતા વીજ બીલમાં યુનિટ દીઠ ચાર્જ રૂ. ૭.૨૯ થી વધીને રૂ. ૯.૭૬ થઇ ગયા તે બાબતે પ્રસિદ્ધ થયેલ સમાચાર સાચા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્‍તરે કોલસાનાં અને ગેસની ઉદભવેલ તંગીને કારણે કોલસાનો ભાવ જે જુન ૨૦૨૧માં ૯૦ US ડોલર પ્રતિ ટન હતો તેમાં અગાઉન જોવાયેલ ધરખમ વધારો થઇ જુન ૨૦૨૨ માં ૩૨૪ US ડોલર પ્રતિ ટન થયેલ છે. જેને કારણે વીજ ખરીદ દરમાં પણ અસાધારણ વધારો થયેલ છે.

ખાનગી વીજ કંપનીઓ આયાતી કોલસા આધારિત હોવાથી તેના બળતણ ખર્ચમાં વધારો થયેલ છે પરંતુ નામ. વીજ નિયમન આયોગનાં આદેશ મુજબ વીજ ખરીદી માટે જે તે વીજ મથકની માલિકી નહિ પરંતુ વીજ બળતણ ખર્ચને ધ્‍યાને લઇ સૌથી ઓછા ખર્ચ વાળા મથકમાંથી પહેલા એ રીતે વીજ માંગ પૂરી થાય ત્‍યાં સુધી વીજ પુરવઠો મેળવવામાં આવે છે.આમ, ખાનગી કંપનીઓના લાભાર્થે મોંઘી વીજળી ખરીદવામાં આવે છે તે બાબત સત્‍ય નથી.

(11:32 am IST)