Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ન્‍યુઝીલેન્‍ડમાં મુળ નવસારીના જનક પટેલની પત્‍નીની નજર સામે હત્‍યાઃ લુંટારૂઓ દુકાનમાં પ્રવેશી હત્‍યા કરી ફરાર

મુળ માલિક લગ્ન પ્રસંગે ગુજરાત આવતા ઓકલેન્‍ડ ખાતેની દુકાન ચલાવવા માટે જનકલ પટેલને આપી હતી

નવસારીઃ નવસારીના વડાલી ગામના યુવાનની ન્‍યુઝીલેન્‍ડમાં પત્‍નીની નજર સામે લુંટારૂઓ દ્વારા હત્‍યા કરવામાં આવી છે. હત્‍યા કરી લુંટારૂઓ ફરાર થઇ ગયા હતા.

વિદેશમાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો હજી અટકી રહ્યો નથી, ત્યારે એવું લાગી રહ્યું છે કે ગુજરાતીઓ હવે વિદેશોમાં સુરક્ષિત નથી. વિદેશમાં ફરીવાર મૂળ ભારતીય યુવકની હત્યા કરવામાં આવી છે. નવસારીના વડોલી ગામના યુવાનની ન્યૂઝીલેન્ડમાં પત્નીની નજર સામે જ હત્યા કરવામાં આવી છે. NRI યુવાન જનક પટેલે દુકાનમાં લૂંટનો પ્રતિકાર કરી રહ્યા હતા ત્યારે લૂંટારૂઓએ દુકાનમાં પ્રવેશી હુમલો કર્યો હતો અને લૂંટારુઓ જનક પટેલની હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.

મૃતક યુવાન જલાલપોર તાલુકાના વડોલી ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. ઓકલેન્ડમાં આવેલી દુકાનમાં 2 દિવસ પહેલા તેના પર જીવલેણ હુમલો થયો હતો. 8 મહિના પહેલાં જ નવસારીના વડોલી ગામનો યુવાન પત્ની સાથે સ્થાયી થયો હતો. યુવાનની હત્યા થતાં ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીયોમાં રોષ ફેલાયો છે. હાલ ન્યૂઝીલેન્ડ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. આ હત્યા બાદ ત્યાં જનક પટેલનાં પરિવાર અને ન્યૂઝીલેન્ડમાં સ્થાયી ગુજરાતીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, જલાલપોર તાલુકાના વડોલી ગામનો રહેવાસી 36 વર્ષનાં યુવાન જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની વિજેતા પટેલ નીમલાઇ ગામની વતની છે. તેઓ આઠ મહિના પહેલા જ ન્યૂઝિલેન્ડનાં હેમિલ્ટન ખાતે ગયા હતા. આ બંને દુકાનમાં કામ કરતા હતા. ત્યારે આ ઘટના બની હતી.

માહિતી એવી પણ સામે આવી રહી છે કે નવસારીના કાસ્બાપાર ગામના વતની ઓકલેન્ડ ખાતે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે 15 દિવસ માટે ન્યુઝીલેન્ડથી ગુજરાત વતને આવ્યા હતા. જ્યાં તેમણે ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે જનક પટેલને આપી હતી. તે સમયગાળા દરમિયાન જનક પટેલ અને તેની પત્ની વિજેતા સાથે છેલ્લા આઠ મહિનાથી ઓકલેન્ડ ખાતે દુકાન ચલાવવા માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક લૂંટારુઓ ત્રાટકયા હતા અને જનક પટેલ અને તેમની પત્નીને ચપ્પુ બતાવી દુકાનમાં રાખેલા ડોલર અને દુકાનના માલસામાનની લૂંટ ચલાવી રહ્યા હતા. 

બીજી બાજુ લૂંટારુંનો સામનો કરવા જતા એક લૂંટારુએ જનક પટેલ પર ચપ્પું વડે હુમલો કરી ઉપરા છાપરી પેટના ભાગે તથા ગાળાના ભાગે અને પગમાં આઠથી દસ જેટલા ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

(5:25 pm IST)