Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલને જીતાડવા માટે પ્રકૃત્તિપુજક આદિવાસી ભક્‍તોએ માવલી માતાની પૂજા-અર્ચના કરી

આદિવાસીમાં માવલી પૂજાનું અનેરૂ મહત્‍વઃ આરાધના કરવાથી ચૂંટણીમાં જીતે તેવી માન્‍યતા

નવસારીઃ વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલની ચૂંટણીમાં જીત થાય તે માટે આદિવાસી ભક્‍તોએ માવલી માતાને રીઝવવા પૂજા-અર્ચના કરી હતી.

વાંસદાના તારપડા ગામે પરંપરાગત માવલી પૂજામાં ભાજપી ઉમેદવાર પિયુષ પટેલે જીતની આશા સાથે કરી માતાજીની આરાધના.

કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ સાથે દેવી દેવતાઓના આશીર્વાદ પણ સફળતાના સોપાન સર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ચુંટણી જંગમાં પણ ઉમેદવારો પોતાના આરાધ્યની કૃપા પ્રાપ્ત કરવાના પ્રયાસો પણ કરતા હોય છે. પરંતુ વાંસદામાં પોતાના સમાજનો દીકરો પિયુષ પટેલ વિધાનસભા ચુંટણી લડી રહ્યો હોય, આદિવાસીઓએ માવલી માતાજીની પરંપરાગત રીતે આરાધના કરી હતી, જેમાં પિયુષ પટેલે પણ પૂજા કરી માવલી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. 

પ્રકૃતિ પૂજક આદિવાસીઓ દિવાળી બાદ અન્નની દેવી માવલી માતાજીની પૂજા કરતા હોય છે, પરંપરાગત રીતે પાંચ વર્ષે એકવાર થતી માં માવલીની પૂજામાં ગામેગામના ભક્તો આવતા હોય છે, આખી રાત ભગતો માવલી માતાના ગુણગાન કથા સ્વરૂપે ગાય છે. સાથે જ અન્ય લોકો આદિવાસી વાદ્ય પાવરી, તૂર, ઢોલ વગાડી પગમાં ઝાંઝર પહેરી નૃત્ય કરીને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે. આદિવાસી લોકગીતો અને ભજનો ગાતા ગાતા રાત આખી થતી આરાધનામાં માવલી માતાજી સહિત દેવી દેવતાઓ ભગતો અને લોકોના શરીરમાં પ્રવેશ કરી પૂજા દરમિયાન આશીર્વાદ પણ આપતા હોવાની આદિવાસીઓમાં માન્યતા છે.  

વાંસદાના સરહદી ગામડાઓમાંના એક તારપાડા ગામે ગત રોજ આયોજિત માવલી પૂજામાં ડાંગ અને મહારાષ્ટ્રના ગામોથી પણ ભક્તો આવ્યા હતા. શ્રદ્ધાથી માવલી માતાજીની પૂજા અર્ચના કરી, જેમણે નાચ ગાન સાથે માતાને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ભાજપમાંથી વાંસદા વિધાનસભાના ઉમેદવાર પિયુષ પટેલ માટે પણ ભક્તોએ માવલી માતાજીને પ્રાર્થના કરી, જીત મેળવે એવી શુભેચ્છાઓ આપી હતી. 

વાંસદાના ભાજપી ઉમેદવાર પિયુષ પટેલ કડકડતી ઠંડીમાં વાંસદાના ગામડાઓમાં ફરી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તારાપાડા ગામના લોકોએ પણ આદિવાસી સમાજના જ દીકરા પિયુષ પટેલ માટે માવલી પૂજા કરી હતી. જેમાં પિયુષ પટેલે માતાજીની પૂજા અર્ચના કરી, ભગતો સાથે નૃત્યમાં પણ ભાગ લઈ, માતાજીની કૃપા વરસે અને ચુંટણીમાં જીત મળે એવી પ્રાર્થના સાથે આશીર્વાદ મેળવ્યા હતા 

આદિવાસીઓમાં માવલી પૂજાનું અનેરું મહત્વ છે. માતાજીની આરાધના કરી આદિવાસી દીકરાને ચુંટણીમાં જીત મળે એવી આશા સેવી છે. ત્યારે પિયુષ પટેલ પર માતાજી કેટલી કૃપા વરસાવે છે એ જોવુ રહ્યું.

(5:28 pm IST)