Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

નડિયાદ તાલુકાના દાવડામાં ઉભરાતી ગટરના ત્રાસથી લોકોના સ્વાસ્થ્યને જોખમ

નડિયાદ: નડિયાદ તાલુકાના દાવડા ગામની ભાગોળે દૂધ મંડળી આગળ ઘણા સમયથી ગટર ઉભરાય છે. જેથી લોકોને ગંદા પાણી ડહોળીને પસાર થવું પડે છે. છાસવારે ઉભરાતી ગટરની સાફ-સફાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે.

નડિયાદ તાલુકાના દાવડા ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે. આ ગટર લાઈનની સાફ-સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. દાવડા ગામની ભાગોળે દૂધ મંડળી આગળ ચોક આવેલ છે. 

આ સ્થળે ચબૂતરી તેમજ મંદિર સહિત ધામક સ્થળો આવેલ હોય લોકોની ભારે અવરજવર રહે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી મંદિર સામેની ગટર ઉભરાય છે. આ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે. 

જેથી ભર શિયાળે ચોમાસુ હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. ગામના હાર્દ સમા પ્રવેશદ્વાર આગળ રોડ પર દુર્ગંધ મારતું ગંદુ પાણી વહેતું હોઇ વાહન ચાલકો તેમજ દૂધ મંડળીમાં દૂધ ભરવા આવતા ગ્રામજનોને ગંદા પાણીમાં પડીને અવરજવર કરવી પડે છે. રસ્તા પર ગંદુ પાણી ભરાતા ભારે દુર્ગંધ મારતું હોઇ સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ઉભરાતી ગટરની સાફ-સફાઈ ન થતા ગ્રામજનોમાં સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવા લાગણી વ્યાપી છે.

(5:28 pm IST)