Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજપીપલાની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી વિશાળ રેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ (ગુજરાત રાજ્ય) ગાંધીનગર સંચાલિત નાંદોદ તાલુકાની આદર્શ નિવાસી શાળા(કુમાર)-રાજપીપલા દ્વારા સ્વીપ એક્ટિવીટી અંતર્ગત શાળાના બાળકોએ મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં શાળાના આચાર્ય આર.બી .માછી તેમજ શાળાના શિક્ષકઓના માર્ગદર્શન હેઠળ બાળકોએ “મારો મત, મારું ભવિષ્ય”, “એક મતની તાકાત”, “નવા ભારતના નિર્માણમાં મતદાનનું મહત્વ” જેવા સ્લોગનો સાથે રેલી યોજી હતી.

લોકશાહીના પર્વ ચૂંટણીમાં ગામાનો પ્રત્યેક નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવાના ઉમદા આશય સાથે અંદાજિત ૩૫૦ જેટલા બાળકોએ બેનર્સ-પ્લે કાર્ડ સાથે ગામમાં રેલી યોજીને ગ્રામજનોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની સરાહનીય કામગીરી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટિવીટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાની રાહબરીમાં સ્વીપ એક્ટિવીટી અંતર્ગત થઈ રહેલ મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા પણ અનેકવિધ સ્પર્ધાઓ તેમજ રેલી દ્વારા ગ્રામજનોને મતદાનના મહત્વ વિશે સમજ આપવામાં આવી રહી છે.

(10:33 pm IST)