Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

દસાડાના શહીદ પરિવારને સન્માનભેર શીલ્ડ અર્પણ :12 વર્ષ થવા છતાં પણ સરકારી લાભ નથી મળ્યા !

દસાડા તાલુકાના પ્રથમ શહીદના વારસદાર છેલ્લા બાર-બાર વર્ષથી સાથણીની જમીન મેળવવા એક કચેરીથી બીજી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે

આજે આખો દેશ 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે દસાડા તાલુકાના 2009માં કશ્મીરમાં શહીદ થનાર જવાનના વારસદારને ભારતના પ્રધાનમંત્રી મોદી દ્વારા સન્માન શીલ્ડ આપવામાં આવ્યું હતું.જે આર્મી ઓફિસર્સ દ્વારા શહીદ વીરના પુત્ર અને પત્નીના ઘેર રૂબરૂ જઈ સન્માનભેર શીલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતુ.

 આ તકે શહીદ વીરના પત્નીએ પોતાની હાલાકી જણાવી હતી. શહીદના પત્નીએ સેના અધિકારીઓને જણાવ્યું હતું કે તેમના પતિને શહીદ થયે બાર બાર વર્ષ થવા છતાં શહીદવીરના વારસદારને મળતી ખેતીલાયક સાંથણીની જમીન નથી મળી. જેને લીધે પરિવાર પારાવાર તકલીફોનો સામનો કરી રહ્યો છે. પાટડી સરકારી તંત્ર દ્વારા માત્ર વાયદા જ આપવામાં આવી રહ્યા છે. 20 જાન્યુઆરીએ જમીન ફાળવણી કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ તેનું પણ કોઈ નિરાકરણ નથી આવ્યું

શહીદના પત્નીની આપવીતી સાંભળી સેનાના અધિકારીઓ પણ હચમચી ગયા હતા અને વારસદાર પત્ની સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી. સાથે જ, સેનાના અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવશે અને તેમને તેમના હક્કની જમીન ટૂંક સમયમાં મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. દેશ આખો જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે દસાડા તાલુકાના પ્રથમ શહીદના વારસદાર છેલ્લા બાર-બાર વર્ષથી સાથણીની જમીન મેળવવા એક કચેરીથી બીજી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે. અધિકારીઓ યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાનુ શહીદના પત્નીએ જણાવ્યુ હતુ.

(11:50 pm IST)