Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પાટણ અને બનાસકાંઠામાં બે અલગ અલગ અકસ્માતોના બનાવમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા

સમી તાલુકામાં ત્રિપલ અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા તો બનાસકાંઠામા બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત થયુ

 

બનાસકાંઠા: મંગળવારની રાત ઉત્તર ગુજરાત માટે ગમખ્વાર અકસ્માતોની રાત રહી હતી. પાટણ અને બનાસકાંઠામાં બે અલગ અલગ અકસ્માતોના બનાવમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સમી તાલુકામાં ત્રિપલ અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા હતા. તો બનાસકાંઠામા બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત થયુ છે અને એક ઘાયલ છે.

સમી તાલુકાના બાસ્પા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાસ્પા અને વરાણા વચ્ચે લક્ઝરી બસ, અલ્ટો તેમજ અને ટર્બા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે અલ્ટોમાં સવાર એક પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. તો પોલીસ પણ પહોંચી હતી. લોકોએ મૃતદેહોને ગાડીમાંથી બહાર કાઢવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ મૃતદેહો ગાડીમાં ફસાઈ ગયા હતા. તેતી જેસીબી મશીન બોલાવી ગાડીમાંથી મૃતકોની લાશને બહાર કાઢવામા આવી હતી. પોલીસે હાઇવે પરનો ટ્રાફિક હળવો કરીને અન્ય ગાડીઓને જવા દીધી હતી.

તો બીજી તરફ, રાત્રે બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ હાઇવે ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત થયુ હતુ, તો એક ઘાયલ થઈ છે. બનાવના પગલે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

(9:47 am IST)