Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજ્યના વિવિધ મંદિરો પણ પ્રજાસત્તાક પર્વ પર દેશભક્તિના રંગે રંગાયા

સોમનાથ મહાદેવને વિશેષ ત્રિરંગાનો શ્રૃગાંર જયારે સાળંગપુરમાં પણ કષ્ટભંજન દેવને વિશિષ્ટ શણગાર કરાયો

અમદાવાદ : રાજ્યમાં વિવિધ સ્થળે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો હતો. જેના થકી મંદિરોમાં ભક્તિમય સાથે-સાથે દેશભક્તિમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું. પ્રભાસપાટણ સોમનાથ તીર્થ ક્ષેત્રમાં આજે સોમનાથ મહાદેવને વિશેષ ત્રિરંગાનો શ્રૃગાંર કરવામાં આવ્યો હતો. તો સાળંગપુરમાં પણ કષ્ટભંજન દેવને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર મંદિરમાં ત્રિરંગી ફુગ્ગાથી શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ મંદિર ટ્રસ્ટીઓએ દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વ પર શુભકામનાઓ પાઠવી હતી. 

સોમનાથ મંદિરમાં પણ 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથમાં મહાદેવના દર્શનાર્થે આવનાર યાત્રિકો આ રાષ્ટ્રીય તિર્થ ખાતે ધર્મ ધ્વજ અને રાષ્ટ્ર ધ્વજના દર્શન કરી ધન્ય બન્યા હતા. આ પર્વ નિમિતે મંદિર ટ્રસ્ટ તરફથી લોકોને દેશ ભક્તિ માટે જાગૃત થવા આવાહન કરવામાં આવ્યું હતું સાથે જ દેશની આન-બાન-શાનની જાળવણી નૈતિક ફરજ સમજી આપણે કરવી તે અંગે સંદેશ પણ આપ્યો હતો. 

આ ઉપરાંત, અમદાવાદના કુમકુમ સ્વામીનારાયણ મંદિર મણિનગર ખાતે પણ ભગવાન સ્વામીનારાયણને રાષ્ટ્રધ્વજના ત્રિરંગના શણગાર ધરાવાયા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેમણે દેશ માટે કુરબાની આપી છે, તેમને યાદ કરીએ અને તેમના જીવનમાં પ્રેરણા લઈને, આપણે પણ દેશની સેવા કરવા માટે, સમાજની સેવા માટે આગળ વધીએ એ જ આપ સૌ કોઈને નમ્ર અપીલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેસરીયો રંગ આપણને સાહસ,બલિદાન શીખવે છે. કેસરીયો રંગ ધર્મના પ્રતિક રુપ છે. સફેદ રંગ આપણને સચ્ચાઈ અને શાંતિ રાખવાનું શીખવે છે. સફેદ રંગ પવિત્રાનો પ્રતિક છે. લીલો રંગ આપણને હળી મળીને રહેવાનું શીખવે છે એટલે કે,આપણને ભાઈચારો રાખવાનું શીખવે છે. લીલોરંગ સંપન્નતાનો પ્રતિક છે. તો આપણામાં આવા તમામ ગુણો કેળવીએ અને પછી ધ્વજવંદન કરીએ, તો જ આપણે ખરા અર્થમાં ર૬ જાન્યઆરીના રોજ ઘ્વજવંદન કર્યું એ સાર્થક ગણાય.

આ સાથે જ સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોના વાયરસની સંપૂર્ણ નાબુદી થઈ નથી. ત્યાં સુધી આપણે તેનાથી આઝાદી પ્રાપ્ત થાય તે માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, માસ્ક અવશ્ય પહેરવું જોઈએ, સોશિયલ ડીરન્ટન્સ પણ રાખવું જોઈએ અને વેક્સીન મૂકાવવી જોઈએ.જેથી સૌનું સ્વાસ્થ્ય નિરામયી બની રહે. આપણે સૌએ કોરોના વાયરસથી હિંમત ના હારવી જોઈએ અને આપણે હિંમત રાખીને કોરોના વાયરસની સાથે લડવું જોઈએ, તો એક દિવસ ચોક્કસ 'હારશે કોરોના અને જીતશે ભારત

(8:35 pm IST)