Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

આણંદના ઉમરેઠમાં પતિએ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર ત્રિપલ તલાક આપી દીધાઃ દંપત્તિ વચ્‍ચે અણબનાવ ચાલતો અને પત્‍ની પિયર રહેતી હતી

પોલીસ દ્વારા મુસ્‍લિમ મહિલા લગ્ન ઉપર અધિકારનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુન્‍હો નોંધી તપાસ

આણંદ: રાજ્યમાં ત્રિપલ તલાકને લઈને અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા બાદ પણ મુસ્લિમ મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે. ત્યારે આણંદના ઉમરેઠમાં પતિએ ઇન્સ્ટાગ્રામ પર ત્રિપલ તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી છે.

ઉમરેઠની યુવતીના લગ્ન મહીસાગર જિલ્લાના ડેભારી ગામના એક યુવક સાથે થયા હતા. પરંતુ કોઈ કારણોસર 7મી નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર ત્રિપલ તલાકનો મેસેજ આવતા યુવતી ચોંકી ઉઠી હતી. ત્યારબાદ પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ત્રણ તલાકના કાયદા હેઠળ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં જાણવા મળ્યું કે ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. યુવતી છેલ્લા કેટલાક સમયથી ઉમરેઠ પિયરમાં રહેતી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ઉમરેઠમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. ઉમરેઠમાં રહેતી એક યુવતીના લગ્ન 23,11.2019 ના રોજ મહીસાગર જિલ્લાનાં વીરપુર તાલુકાના ડેબારી ગામના એક યુવક સાથે થયા હતા. લગ્ન પછી તેણે પોતાની પત્ની ગમતી ન હોવાથી બન્ને વચ્ચે અણબનાવ વધી ગયા હતા. જેના કારણે પીડિતાનો પતિ 25.7.21 ના રોજ ડેબારી ગામે ઘરમાં જ ત્રણ વખત તલાક બોલ્યો હતો. પરંતુ પત્ની પાસેથી કોઈ જવાબ મળ્યો નહોતો.

પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી જતા યુવતી તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. ગત 7.11.21ના રોજ પતિ એ પત્નીના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ત્રણ વખત તલાકનો મેસેજ કર્યો હતો. જેના કારણે પીડિત યુવતીએ સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરીને પતિ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરેઠ પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકાર નું રક્ષણ અધિનિયમ )2019 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)