Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વડોદરામાં ઓનલાઇન વેબસાઈટ પર ઓર્ડર લઇ 5 લાખની છેતરપિંડી આચરનાર આણંદ સહીત વલસાડના બે શખ્સોની રંગે હાથે ધરપકડ

વડોદરા: શહેરમાં સાઇબર ક્રાઇમે શોપિંગ વેબસાઇટ બનાવી 40થી વધુ લોકો પાસેથી 5 લાખ 35 હજારની છેતરપિંડી કરનાર આણંદ અને વલસાડના બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા અને આઇટી કંપનીમાં એન્જીનિયર તરીકે નોકરી કરતા ધવલ પટેલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્નીનો મોબાઇલ નંબર કોઇએ શોપિંગ વેબસાઇટ બ્લિઝશોપ. લાઇવ પર કોન્ટેક્ટ નંબર તરીકે મુક્યો છે. જેથી આ વેબસાઇટ પરથી ખરીદી કરી વસ્તુની ડિલિવરી નહીં થતાં ગ્રાહકો તેમના પત્નીને ફોન કરી રહ્યા હતાં. જેથી તેમની હેરાન પરેશાન થઇ ગયા હતાં. ત્યા સુધી કે લોકો તેમના પત્નીને વોટ્સએપ મેસેજ કરીને વસ્તુ કેમ નથી મળી તેવી ફરિયાદ કરતા હતાં. દંપતી લોકોને ફોન પર સમજાવીને થાકી ગયું હતું કે આ તેમનો અંગત નંબર છે અને કોઇ ખોટી રીતે વેબસાઇટ પર આ નંબર મુક્યો છે. જેથી ધવલ પટેલે નેશનલ સાયબર પોર્ટલ પર અરજી કરી હતી. બે આરોપી ઝડપાયા સાઇબર ક્રાઇમે તપાસ કરતા આ વેબસાઇટ ગૌરવ કિરીટભાઇ બ્રહ્મભટ્ટ (રહે. હરીઓમનગર, જીતોડિયા બસ સ્ટેન્ડ પાસે, આણંદ) અને નિકુંજ દવે (રહે. માનસીનગર, ધરમપુર રોડ, અબરામા, વલસાડ) દ્વારા બનાવી લોકો પાસેથી 5 લાખ 35 હજારની ઓનલાઇન છેતરપિંડી કરી હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે બંને આરોપીઓ ગૌરવ બ્રહ્મભટ્ટ અને નિકુંજ દવેને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)