Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સુરતમાં પતિ હેરાન કરતો હોવાની ચિઠ્ઠી હાથ પર લખી પરિણીતાએ આત્મહત્યા કરતા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

સુરત: શહેરના લીંબાયતમાં બે સંતાનની માતાએ પતિ હેરાન પરેશાન કરે છે તેવું હથેળી અને હાથમાં લખાણ લખી પોતાના ઘરમાં જ છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગત મંગળવારે ફાંસો ખાઈ લીધો હતો.રીક્ષા ચાલક પતિ દહેજની માંગણી કરી તેમજ શંકા-વહેમ રાખી અવારનવાર ગાળાગાળી અને મારઝુડ પણ કરતો હોય પરિણીતાએ આત્મહત્યા કરતા લીંબાયત પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી હતી. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઝારખંડના વતની અને સુરતમાં લીંબાયત ચોર્યાસી ડેરી પાસે ગીતાનગર ઘર નં.સી/03 માં પત્ની સીતા (ઉ.વ.27) અને બે સંતાન સાથે રહેતા રીક્ષા ચાલક પ્રવિણ છોટીનાથ ગોસ્વામી (ઉ.વ.37) ગત મંગળવારે રાત્રે 8.30 વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે પત્ની સીતા પોતાના રૂમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. આ અંગે 108 ને જાણ કરતા તે દોડી આવી હતી. પરંતુ સ્ટાફે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા લીંબાયત પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.પોલીસને સીતાનાડાબા હાથની હથેળી અને હાથમાં હિન્દી ભાષામાં પતિ હેરાન પરેશાન કરે છે તેવું લખાણ લખેલું મળ્યું હતું.

આઠ વર્ષ અગાઉ સીતાના લગ્ન પ્રવિણ સાથે થયા હતા. પરંતુ પ્રવિણ દહેજની માંગણી કરી તેમજ શંકા-વહેમ રાખી અવારનવાર ગાળાગાળી અને મારઝુડ પણ કરતો હતો. આથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. લીંબાયત પોલીસે સીતાની હથેળી અને હાથમાં લખેલા લખાણના આધારે પ્રવિણ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

(5:01 pm IST)