Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

આગામી ત્રણ દિવસમાં પંચમહાલ-વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઠંડી સાથે માવઠુ થવાની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહીઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ફેબ્રુઆરીના બીજા સપ્‍તાહમાં પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્‍યતા

અમદાવાદઃ કોલ્‍ડવેવની વચ્‍ચે પંચમહાલ-વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠુ થવાની શક્‍યતાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. શિયાળુ પાક તૈયાર થઇ જતા માવઠાની આગાહીને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ પડશે. રવિ સિઝનમાં જ લણણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે પંચમહાલ અને વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક-ક્યાંક છાટા પણ પડી શકે છે. જ્યારે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ વધારે રહેવાથી હજુપણ ઠંડી અનુભવાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડીમાં ઘટાડો થશે. બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વરતાઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી 3 દિવસમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.

અન્ય રાજ્યોની હાલત શું થશે?

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષોપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. દેશની વાત કરીએ તોક ,આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા રહેશે. જ્યારે અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડી શકે છે.

આજના તાપમાનની વાત કરીએ તો, લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા રાજ્યભરમાં ઠંડુગાર શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદમાં 8.6 ડિગ્રી, વડોદરામાં 12.8 ડિગ્રી, ભાવનગરમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, રાજકોટમાં 8.5 તેમજ સુરતમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

(5:04 pm IST)