Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પ્રથમવાર SOU ખાતે74 માં પ્રજાસત્તાક પર્વમાં ચેરમેન જે.પી. ગુપ્તાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

પ્રજાસત્તાક પર્વે ખાસ અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ વિજેતા અને પેરાઓલમ્પિક ખેલાડી. દીપા મલિક ઉપસ્થિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રના 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે અતિવિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાંનિધ્યમાં યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલક તથા SOUADTGA ચેરમેન જે પી.ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ  ગુપ્તાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ તકે SQUADTGA મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ  નિર્ભયસિંગ પણ સાથે જોડાયા હતા તકે પ્રજાસત્તાક પર્વે ખાસ અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી એવોર્ડ,ખેલ રત્ન એવોર્ડ વિજેતા અને પેરાઓલમ્પિક ખેલાડી દીપા મલિક ઉપસ્થિત રહયા હતા.

SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત પ્રવાસીઓ સહિત સૌ દેશવાસીઓને 74 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની અપ્રતિમ શૌર્ય અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર તમામને હું વંદન કરૂ છું. સાથોસાથ ભારતના મહાન સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અંતિ વિરાટ પ્રતિમા સમક્ષ ધ્વજારોહણ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ ભારતના આ વીર સપૂતોના ચરણોમાં શત શત વંદન કરૂ છુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી મોટી ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, 4 વર્ષના ટૂંકા ગાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોનાના કાળ વચ્ચે 1 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જે એક રેકોર્ડ છે આ ઉપલબ્ધી એકતાનગર ખાતે કાર્યરત કર્મયોગીઓના સહિયારા પ્રયત્નોનું જ શ્રેષ્ઠ પરિણામ છે આગામી સમયમાં એકતાનગરનો વિકાસ એવી રીતે કરીએ કે જેમાં પ્રવાસીઓને સારી અને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડીએ તેની સાથે જળ,જંગલ અને જમીનને વધુ સારી રીતે સંરક્ષિત કરી શકીએ તે માટે સંકલ્પબદ્ધ થઇએ.વિકાસ વણથંભ્યો રહે અને છેવાડાના માનવીના વિકાસ સાથે નાગરિક તરીકેના અધિકારો,ફરજો અને કર્તવ્યોના પાલનની સજાગતા સાથે દેશની પ્રગતિને આગળ ધપાવીને મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા  ગુપ્તાએ આહવાન કર્યું હતું. ધ્વજવંદન બાદ જે.પી.ગુપ્તા સહિતના મહાનુભાવોએ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

(11:22 pm IST)