Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

મોહન ડેલકર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યા

દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી : મોટાપોંઢામાં કોંગ્રેસની યોજાયેલી ચૂંટણી સભામાં મોહન ડેલકરના સાળા પ્રકાશ પટેલ સભા મંચ પર હાજર રહ્યા

વલસાડ,તા.૨૬ : રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આઘાતજનક આપઘાતનો મુદ્દો હવે વલસાડ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારનો મુદ્દો બની રહ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢામાં કોંગ્રેસની યોજાયેલી ચૂંટણી સભામાં મોહન ડેલકરના સાળા પ્રકાશ પટેલ સભા મંચ પર હાજર રહ્યા હતા. કોંગ્રેસની આ ચૂંટણી સભામાં સ્વ.મોહન ડેલકરને મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પ્રકાશ પટેલ અને કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારોએ મોહન ડેલકરના આઘાતજનક આપઘાતના મુદ્દાને કોંગ્રેસના જાહેર મંચ પરથી ઊઠાવ્યો હતો અને પોતાના બનેવી અને કપરાડા વિસ્તારના જમાઈ એવા મોહન ડેલકરના આપઘાત પાછળ દમનકારી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ભાજપ શાસિત પ્રશાસન હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે મોહન ડેલકરનું સાસરુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું સુખાલા ગામ છે. જે કપરાડા તાલુકાની મોટાપોંઢા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે.

         આમ મોહન ડેલકરના સાળા પ્રકાશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલની જાહેર સભાના મંચ પરથી ઉભા થઇ અને આદિવાસી વિસ્તારના મતદારોને આહવાન કર્યું હતું કે જો તેઓ મોહન ડેલકરને આદિવાસી સમાજના નેતા માનતા હોય અને મોહન ડેલકરને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાવી અને ભાજપના દમનકારી પ્રશાસનને જડબાતોડ જવાબ આપવ માટે આહવાન કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે પ્રકાશ પટેલ અગાઉ વલસાડ જિલ્લામાં ભાજપના દિગ્ગજ આગેવાન હતા તેઓ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા અને એક વખત ભાજપની ટિકિટ પરથી કપરાડા વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા હતા. જોકે ત્યાર બાદ વર્ષો સુધી રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો હતો અને હમણાં જ યોજાયેલી કપરાડાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. પરંતુ તેમાં તેમની હાર થઇ હતી.  જોકે મોહન ડેલકરના આઘાતજનક આપઘાતને બે દિવસ વિત્યા છે અને આ મુદ્દો અત્યારે પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર છે. ત્યારે હવે અત્યારે વલસાડ જિલ્લામાં પણ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે મોહન ડેલકરના આપઘાતનો મુદ્દો ચૂંટણી મુદ્દો બની રહ્યો છે અને ચુંટણીની જાહેર સભામાં મંચ ઉપરથી ડેલકરને ન્યાય અપાવવાની માંગ થઇ રહી છે.

(8:50 pm IST)