Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુરત મનપાના ડેપ્યુટી TDO વિજય દેસાઈ સામે કરતા વધુ સંપત્તિ મામલે એસીબીની તપાસ શરૂ

ACBએ તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી

અમદાવાદ : ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર કે. રાજેશે સામે ACBમાં વધુ એક અરજી અંતર્ગત રોગી કલ્યાણ ફંડના 32 લાખના ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો છે, તો વધુ એક સરકારી બાબુનું નામ આવક કરતાં વધારે સંપત્તિ હેઠળ સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી TDO તરીકે ફરજ બજાવનાર વિજય દેસાઈ સામે અમદાવાદ ACBએ આવક કરતા વધુ સંપત્તિની તપાસ શરૂ કરતા પાલિકાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વિજય દેસાઈ હાલમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજવે છે.

છેલ્લા કેટલાક સમયથી એન્ટી કરપ્શન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ પાસે આવક કરતા વધુ સંપત્તિ હોય તેવા કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે અંતર્ગત અનેક સરકારી કર્મચારી અને અધિકારી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (TDO) તરીકે ફરજ બજાવતા વિજય દેસાઈ સામે પણ થોડા સમય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી. તે અરજીના આધારે વડી કચેરીના આદેશ અન્વયે અમદાવાદ એન્ટી કરપ્શન વિભાગે વિજય દેસાઈ સામે તપાસ શરૂ કરી છે.

ACBની તપાસ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે, તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે વિજય દેસાઇ વર્ગ-3ની કેટેગરીમાં આવે છે તેમજ આ માટેની તપાસ કરવા માટે કમિશનરની પણ મંજૂરી લેવાની હોતી નથી. જેથી ACB તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી છે. તેની જાણ આજે પાલિકાના અધિકારીઓને થતાં તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

(11:32 pm IST)