Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જશુભાઇ શાહ પરિવારે શ્રવણની સેવાઓનું ઉદાહરણ તાજુ કર્યુ

(કેતન ખત્રી) અમદાવાદ, તા., ૨૭: આજના જમાનામાં પરિવારની સુખશાંતી અને સંપતિ માટે રોજ પુજાપાઠ અનેક દેવી દેવતા કે અનેક તીર્થધામ ફરો તેનો કોઇ અર્થ નથી પરંતુ બસ માતા પિતાના ચરણોમાં શીશ નમાવો પછી કોઇ તીર્થધામની જરૂર નથી.ધર્મ શું ? તમારા કારણે મા-બાપની આંખોમાં આંસુ ના આવે, ભલે તમે હો ગમે તેટલા વ્‍યસ્‍ત પણ મા-બાપને થોડો સમય આપો જેથી એમને એકલતા ના લાગે કે ઓછુ ના આવે. એક હતો શ્રવણ એક જમાનામાં જે  પોતાના અંધ મા-બાપને જીવથી વિશેષ સાચવતો.
આ આધુનિક યુગમાં પણ શ્રવણ છે. સુપુત્ર ચિરાગભાઇ શાહ જેમના પિતાશ્રી જશુભાઇ શાહ જેઓ ૮૩ વર્ષના હતા જેમનું તા. ૧૬-પ-ર૦રર ના રોજ નિધન થયું તેઓ એકવીસ વર્ષથી વધુ અનેક બીમારીઓનો ભોગ બની બત્રીસ વખત હોસ્‍પિટલમાં દાખલ થયા અને આ એકવીસ વર્ષમાં શ્રી જશુભાઇ બ્રેઇન સ્‍ટ્રોકનો ભોગ બન્‍યા, હૃદયમાં છ સ્‍ટેન્‍ડ મુકવા પડયા, પેટમાં છ અલ્‍સર થયા. કોરોના માટે હોસ્‍પિટલમાં દાખલ થયા, ગળામાં એક સ્‍ટેન્‍ડ મુકવામાં આવ્‍યું મોઢાનો લકવા થયો અને ન્‍યુમોનિયા થયો. અઢાર વર્ષ પહેલા એક આંખે દેખાતું બંધ થઇ ગયું હતું. ચૌદ વર્ષથી ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડવા માંડી હતી, આઠ વર્ષથી તો બોલવામાં પણ તકલીફ પડવા માંડી હતી. આ બધા સામે તેઓ ઝઝૂમી રહ્યા હતાં.
આ બધુ ત્‍યારે જ શકય બને કે જયારે પોતાના સંતાન અને પરિવાર પુરી નિષ્‍ઠા, સાચો પ્રેમ અને બધું જ જતું કરી પડખે ઉભા રહે. ચિરાગભાઇ પિતાની સેવામાં સંપૂર્ણ સમર્પિત આધુનિક શ્રવણ કે જે એક ફાર્મા કંપનીમાં ૩૦ વર્ષથી થેરાપી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ સતત પિતાનો પડછાયો  બનીને રહ્યા એમની સેવામાં કોઇ કચાસ ના આવે એ માટે એમણે અનેક પ્રમોશન જતા કર્યા. ચિરાગભાઇના માતા શ્રી પણ સેવામાં હાજર હોય જ પણ ચિરાગભાઇના પત્‍ની, એમના નાના બહેન અને બહેનની દિકરી સૌ કોઇ ખભેખભા મિલાવી સેવામાં સમર્પિત રહ્યા હતાં. ચિરાગભાઇના પુત્ર અને પુત્રવધુ અમેરિકાથી પણ તેમની ફરજો બજાવતા અને ર૧ વર્ષથી બીમારીઓ સામે ઝઝૂમતા જશુભાઇએ દેહ ત્‍યાગ કર્યો આમ આધુનિક યુગમાં સતત દોડધામ અને હાડમારીના જમાનામાં આવા શ્રવણ જેવા દીકરા અને સેવામાં સમર્પિત પરિવારે પ્રેરક ઉદાહરણ આ પરિવારે પુરૂ પાડયું છે.

 

(4:01 pm IST)