Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ખેડા જિલ્લામાં લગ્નના ચાર દિવસ બાદ યુવતીએ બાળકને જન્મ આપી ત્યજી દેતા ચકચાર મચી જવા પામ્યો

ખેડા: જિલ્લાના તાલુકા મથક વસો સીએચસીમાં અશક્તિની સારવાર માટે આવેલી સિહોલડીની એક પરિણીત યુવતીએ આરોગ્ય કેન્દ્રના ટોઇલેટમાં જ બાળકને જન્મ આપ્યો હતો. પાણીની ડોલમાં બાળકને ત્યજી માતા ફરાર થઇ જતાં બાળકનું મૃત્યુ થયું હતું. એટલું જ નહીં આ યુવતીના ચાર દિવસ પહેલા જ લગ્ન થયા હતા. આ ઘટના મામલે વસો પોલીસે યુવતી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસો તાલુકાના સિંહોલડી ગામમાં રહેતી મનિષાબેન સુનિલભાઈ ચુનારા (ઉ. વ.૨૦) ના ચાર દિવસ પહેલા લગ્ન થયા હતા. તે બુધવાર સવારે વસોના સીએચસી અશિક્તની સારવાર માટે આવી હતી. ત્યાં અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં તે સીએચસીના ટોયલેટમાં લઘુશંકા કરવાના બહાને ગઈ હતી. અને તેને ટોયલેટમાં આઠ માસના અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. જેથી મનીષા ગભરાઈ ગઈ હતી તેને પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકને ટોયલેટમાં મૂકેલ ડોલમાં ત્યજી દઈ તે ચૂપચાપ ફરાર થઈ ગઈ હતી. જેથી નવજાત બાળકનું મૃત્યુ નીપજયું હતું. આ અંગે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને જાણ થતા તેઓએ વસો પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃત બાળકનો કબજો લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયું હતું. આ બનાવ સંદર્ભે વસો પોલીસે મનીષા ચુનારા સામે ઈપીકો કલમ ૩૧૮ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:18 pm IST)