Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વડોદરાના સીટી પોલીસ મથક વિસ્તારમાં ધમધમતા દારૂના વેપલા પર પોલીસે દરોડા પાડી પાંચ બુટલેગરને ઝડપી પાડયા

વડોદરા:શહેરના સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ કિશનવાડી કુતરાવાડી ખાતે ખુલ્લેઆમ દારૂના ચાલતા અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે ગત મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. અને મુખ્ય સૂત્રધાર સહિત 5 બુટલેગરોની ધરપકડ કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, બીયરના ટીન મળી કુલ રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સીટી પોલીસ મથકની હદમાં આવેલ કિશનવાડી કુતરાવાડી ખાતે છેલ્લા કેટલાક સમયથી સંજય ઉર્ફે સંજુ ગોટુ કહાર તેમજ મકુ મખ્ખીજાની દ્વારા ખુલ્લેઆમ વિદેશી દારૂનો ધંધો કરવામાં આવતો હતો. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સિટી પોલીસ મથકને આ દારૂનો અડ્ડો બંધ કરાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સીટી પોલીસ દ્વારા આ દારૂના અડ્ડા ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. દરમિયાન, સ્થાનિક લોકો દ્વારા  સ્ટેટ વિજિલન્સ સ્કવોડને માહિતી આપતા મોડી રાત્રે સ્ટેટ વિજિલન્સ ટીમ કિશનવાડી કુતરાવાડી ખાતે ત્રાટકી હતી. પોલીસે  સ્થળ પરથી સંજય ઉર્ફે સંજુ ગોટુ કહાર, રોહિત કિસન ગોડીયા, પૂનમ શંકર કહાર, કિશોર ઉર્ફે કિસ્મત ગોટુ કહાર અને મનોજ ભઈલાલ રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે મક્કુ મખીજાણીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી બે મોટર સાયકલ, બુટલેગરોના 7 મોબાઈલ ફોન, રૂપિયા 25,300નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, રૂપિયા 34 હજાર રોકડા મળી કુલ્લે રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(6:19 pm IST)