Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ડાંગ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તોફાની :પૂર્ણ બહુમતી ધરાવતી જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય વિપક્ષની ભૂમિકામાં

સભામાં વઘઈ બેઠકના જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય હરીશ બચ્છાવે કામો બાબતે વાંધો ઉઠાવી વોકઆઉટ કરતા વાતાવરણ ગરમાયુ

ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મંજૂર થયેલ કામોને લઈને ગરમાઈ હતી, સભામાં વઘઈ બેઠકના જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય હરીશ બચ્છાવે કામો બાબતે વાંધો ઉઠાવી વોકઆઉટ કરતા વાતાવરણ ગરમાયુ હતુ. વર્ષ 2015માં ડાંગ જિલ્લાની 18 બેઠકો પૈકી 9 કોંગ્રેસ અને 9 ભાજપના ફાળે હતી જોકે વર્ષ 2020માં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપે 18 માંથી 17 બેઠકો ઉપર કબ્જો જમાવ્યો હતો જ્યારે કોંગ્રેસ ના ફાળે માત્ર એક બેઠક આવી હતી.

આમ ભાજપની સંપૂર્ણ બહુમતી ધરાવતી જિલ્લા પંચાયત ડાંગમાં હવે કોઈ વિરોધ કરનાર નથી ત્યારે ખુદ ભાજપના સભ્યો વિરોધ પક્ષની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ગુરુવારે જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ વિપીન ગર્ગનાં અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ ખાસ સામાન્ય સભામાં ગત સભાના કામોને બહાલી આપવા બાબતે તેમજ નવા વાહન ખરીદવા અંગેની મંજૂરી બાબતેની ચર્ચા કરાઈ હતી. જ્યારે આયોજન અંગેના કામો જિલ્લા સદસ્યની જાણ બહાર કાઢી નાખતા હોવાનાં આક્ષેપ સાથે વઘઇ બેઠક ઉપર ભાજપના સભ્ય હરીશ બચ્છાવે વાંધો ઉઠાવ્યો હતો જોકે પ્રમુખ મંગળ ગાવીતે તેમને રોકતા હરીશ બચ્ચાવ પોતાની વાતને મનમાં રાખી સભામાંથી બહાર નીકળી જતા સભામાં સોંપો પડી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતમાં 18 બેઠકો પૈકી 17 બેઠક ઉપર ભાજપ જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 1 બેઠક છે ત્યારે સંપૂર્ણ બહુમત ધરાવતા ડાંગ જિલ્લા પંચાયત માં ભાજપના સભ્ય જ વિરોધ પક્ષની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જેને લઈને ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

(8:39 pm IST)