Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સુરત ખાતે કારગીલ વિજય દિને સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો

સુરતની જયજવાન નાગરિક સમિતિએ શહિદ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી અનોખી પ્રેરણા પુરી પાડી છેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત: ૧૭ વિર જવાનોના પરિવારોને સન્માન સાથે રૂા.૨૪ લાખની આર્થિક સહાય અર્પણ : કોરોના જંગમાં મૃત્યુ પામનાર સુરત પોલીસના આઠ જવાનોના પરિવારોને એક-એક લાખની સહાય અર્પણઃસુરત ખાતે કારગીલ વિજય દિને સમર્પણ ગૌરવ સમારોહ યોજાયોઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઓનલાઈન માધ્યમથી જોડાયા

સુરત : રાષ્ટ્રની સુરક્ષા કાજે વીરગતી પામેલા જવાનોના પરિવારોને જય જવાન નાગરીક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા ખાતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઓનલાઈન ઉપસ્થિતિમાં રૂા.૨૪ લાખની આર્થિક સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

  રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સુરતથી જય જવાન નાગરિક સમિતિએ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી અનોખી પ્રેરણા પુરી પાડી છે. રાજયપાલએ ‘હદય નહીં વહ પથ્થર હૈ, જીસ મે સ્વદેશ કા પ્યાર નહી’ પંકિત દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ વીર સપૂતોની ભુમિ છે. જે રાષ્ટ્ર તેમના વીર સપૂતો અને શહિદોનુ સન્માન કરી જાણે છે તે રાષ્ટ્ર મહાન છે. રાજયપાલએ  સતત ૨૧ વર્ષથી કારગીલ વિજય દિને શહિદોના પરિવારજનોનું સન્માન અને ધનરાશીના સહયોગ દ્વારા જય જવાન નાગરિક સમિતિના રાષ્ટ્ર ચેતના જગાવનારા આ કાર્યક્રમને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા શહિદ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી સૌએ નાગરિક ધર્મ બજાવવો જોઈએ. રાજયપાલએ શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોના શ્રેય માટે કામના કરી હતી. આ સમારોહમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવી સંક્રમણનો ભોગ બનનારા આઠ જવાનોના પરિવારજનોનું પણ સન્માન કરાયું હતું. રાજયપાલએ ઉપસ્થિત સૌ દાતાશ્રીઓને ધન્યવાદ આપ્યા હતા.
   દેશ માટે વીરગતિ પામેલા ૧૭ વીર જવાનો પૈકી ૬ જવાનોના પરિવારોને રૂા.આઠ લાખની સહાય સન્માન સાથે અર્પણ કરવામાં આવી હતી. જયારે અન્ય ૧૧ જવાનોના પરિવારોને રૂા.૧૩.૫૦ લાખની સહાય સન્માન સાથે સુરતથી કાર્યકર્તાઓની ટીમે તેમના વતન ખાતે પહોચી સહાય અર્પણ કરી હતી. કોરોના સંકટ વેળાએ સુરતની પોલીસ સરાહનીય કામગીરી રહી હતી. અને આ કોરોના જંગમાં ૮ જવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારોનું આ કાર્યક્રમમાં સન્માન કરી એક – એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
  આ અવસરે જય જવાન નાગરીક સમિતિ સુરતના ટ્રસ્ટી કાનજીભાઇ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, ગુજરાત કે ભારત જ નહિ અમેરીકાથી લેઉવા પાટીદાર સમાજ તરફથી પણ જવાનોના પરિવારો માટે આર્થિક સહાય મળી છે. અત્યાર સુધીમાં જય જવાન નાગરિક સમિતિએ ૨૪૮ પરિવારોને રૂા.૫.૨૧ કરોડની સહાય અર્પણ કરી છે. આજે વધુ ૧૭ પરિવારોને રૂા.૨૩.૫૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી છે. આમ કુલ ૩૬૫ પરિવારોને રૂા.૫.૪૪ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે.
 આ અવસરે અગ્રણી દાતા સર્વ લવજીભાઈ બાદશાહ, મનહરભાઈ સાચપરા, ભરતભાઈ શાહ, મુકેશભાઈ પટેલ, શૈલેષભાઈ લુખી, રાકેશભાઈ દુધાત, નિવૃત્ત સુબેદાર ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળા, પોલીસ કમિશનર અજય તોમર, તેમજ રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

(11:31 pm IST)