Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે સરકારી ડ્રાઇવરો માટે ખૂલ્લી મૂકાઇ ડ્રાઇવર્સ લોન્જ

કોરોના વોરિયર્સ તરીકે તમામ ડ્રાઇવર્સ-ભાઇઓને આવશ્યક ચીજવસ્તુઓની રાશન કિટ્સ એનાયત કરી બહુમાન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા કલેકટર કચેરી-જિલ્લા સેવા સદન સંકુલમાં કાર્યરત વિવિધ સરકારી કચેરીઓમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહેલા વાહનચાલકો માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુવિધાસભર તૈયાર કરાયેલ ડ્રાઇવર લોન્જને આજે જિલ્લા કલેકટર ડી.એ.શાહે નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઇ વસાવા, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, જિલ્લાના અગ્રણી અરવિંદભાઇ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, નાયબ માહિતી નિયામક વાય.આર.ગાદીવાલા અને ચિટનીશ એસ.એન.સોની, ડ્રાઇવર્સ-ભાઇઓ વગેરેની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકાઇ હતી.
જિલ્લા સેવા સદન સંકુલની વિવિધ સરકારી કચેરીઓમાં હાલ ૧૨ જેટલા વાહનચાલકો સેવાઓ આપી રહ્યાં છે અને તેમના તરફથી જરૂરી સુવિધા સહિત ડ્રાઈવર્સ રૂમની બેઠક વ્યવસ્થા પૂરી પાડવા જિલ્લા પ્રશાસનને કરાયેલી રજૂઆતને પગલે જિલ્લા કલેકટર ડી.એ.શાહે તુરંત જ આ બાબતે માનવીય અભિગમ રાખીને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત અન્ય વિભાગોને જરૂરી સૂચના આપતા માત્ર બે દિવસમાં જ આ સુવિધા ઉપલબ્ધિ સાથે આજે તેનું લોકાર્પણ કરાયું છે. જિલ્લા સેવા સદન સંકુલમાં કાર્યરત અંદાજે ૩૪ જેટલી જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા વાહનચાલક ડ્રાઇવર-ભાઈઓને કચેરી કામકાજના દિવસો દરમિયાન સેવા સદન સંકુલમાં વાહન મૂકીને બેસવા તથા ભોજન- અલ્પાહાર-હેન્ડવોશની સુવિધા સાથે કરાયેલી આ બેઠક વ્યવસ્થાના ભાગરૂપે ઉભી કરાયેલી ફેબ્રીકેટેડ શેડ સાથેની આ ડ્રાઇવર્સ લોન્જમાં ૩ સિટેડ સ્ટીલની કુલ-૪ બેન્ચ, ૧ ઓફિસ ટેબલ, ૧ સેન્ટ્રલ ટિપોઇ, પંખા-લાઈટ, પીવાના પાણીના જગ વગેરે જેવી સુવિધા ઉપરાંત વર્તમાનપત્રો- મેગેઝીન સહિત અન્ય સાહિત્ય, વાંચન-સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા અંગત રસ લઈને તાત્કાલિક ઉભી કરાયેલી આ સુવિધાને લીધે જિલ્લા સેવા સદનના ડ્રાઇવર્સ આલમમાં ખુશીની લ્હેર પ્રસરવાની સાથે તેમના તરફથી આ બાબતે આભારની લાગણી વ્યકત કરાઇ છે.

(12:00 am IST)