Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજકુન્દ્રા પર અમદાવાદના વેપારીએ લગાવ્યો છેતરપીંડીનો આરોપ અમદાવાદના વેપારી હિરેન પરમારે મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી

મુંબઈ :  પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આજે તેની ફરી કોર્ટમાં સુનાવણી થવાની છે. એક તરફ જ્યાં રાજે ગેરકાયદેસર ગણાવીને તેમની ધરપકડને હાઇકોર્ટમાં પડકારવાનું કહ્યું છે. તો બીજી તરફ, તપાસ અધિકારીઓ આ કેસમાં શક્ય તેટલી માહિતી એકત્રિત કરવામાં વ્યસ્ત છે. આ સંબંધમાં ગુજરાતના એક ઉદ્યોગપતિએ વેપારી રાજ કુંદ્રા પર ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે રાજ કુંદ્રા પર અમદાવાદના વેપારી હિરેન પરમારે મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, ઓનલાઇન નોંધાયેલી આ ફરિયાદમાં ઉદ્યોગપતિએ આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીએ તેમને ઓનલાઇન ક્રિકેટ ગેમ ડોટના ડિસ્ટ્રિબ્યુટર બનવાનું વચન આપ્યું હતું. તેણે ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીએ વચન પૂરું કર્યું ન હતું. ત્યારે હિરેન પરમારે કંપની પાસે તેના 3 લાખ રૂપિયા માંગ્યા, જે તેણે આ ઓનલાઇન ક્રિકેટ આધારિત ગેમમાં રોક્યા હતા. પરંતુ તેને પૈસા મળ્યા ન હતા. કંપની તરફથી જવાબ પણ મળ્યો નહીં.

અહેવાલમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ફરિયાદી હિરેન પરમારનો દાવો છે કે તેણે આ મામલે વર્ષ 2019 માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી, જ્યારે રાજ કુંદ્રાની અશ્લીલ સામગ્રી બનાવવા અને વેચવા બદલ ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો. પરમારે એવો દાવો પણ કર્યો છે કે તેમના જેવા ઘણા લોકો છે, જેમની પાસેથી રાજ કુંદ્રાની કંપની દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

(11:40 am IST)