Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

યુવકે ઘરે જ શરૂ કરી નકલી દારૂ બનાવવાની ફેકટરી : ધરપકડ

સુરતમાં કોરોનામાં જમીન દલાલીનો ધંધો ભાંગી પડતાં

સુરત,તા. ૨૭: ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય અહીં માંગો ત્યાં અને એટલો દારૂ મળી રહી છે. સુરતમાં કોરોનાને લઇને જમીન દલાલીનું કામ ન ચાલતા એક યુવાને ઉમરા ખાતે પોતાના દ્યરે નકલી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કરી દીધી હતી. યુવક દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડીને નકલી દારૂ બનાવવની ફેકટરી ઝડપી પડી હતી. પોલીસે કેમિકલ સાથે યુવાનને ઝડપી પાડીને તેની વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને દરોડા દરમિયાન નકલી દારૂ બનાવવા વપરાતી વસ્તુઓ તેમજ વિવિધ કંપનીની ખાલી બોટલો મળી આવી છે.

આ અંગે પોલીને જાણકારી મળતા પોલીસે ઉમરા ગામના મીતલના મકાનમાં દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી એક યુવાન મળી આવ્યો હતો. જેણે પોતાનું નામ કલ્પેશ ઉર્ફે લાલો રામચંન્દ્ર સામરીયા હોવાનું જણાવ્યું હતું.પોલીસે ઘટના સ્થળેથી અંગ્રેજી દારૂની અલગ અલગ કંપનીની ખાલી બાટલી, બૂચ તથા અન્ય કેમિકલ કબજે કર્યું હતું. પોલીસે યુવાનની પૂછપરછ કરતા કેમિકલનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ પરપ્રાંતીય દારૂ બનાવીને વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ યુવક વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

(3:50 pm IST)