Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અમદાવાદમાં પોલીસ અને કર્મચારીઓએ હિંમત દાખવતા 2 કરોડની આંગડીયા લૂંટ થતી અટકીઃ આરોપી અંકુર મોડેસરા જાણભેદુ હોવાનું ખુલ્‍યુ

સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદઃ વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ

અમદાવાદ: વસ્ત્રાપુરમાં આંખમાં મરચું નાખીને રૂપિયા 2 કરોડની લૂંટનો પ્રયાસ સામે આવ્યો છે.આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ચૂકી છે. જેમાં કર્મચારીએ હિંમત દાખવીને આરોપીને ઝડપી પાડ્યો છે. વસ્ત્રાપુર પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
CCTV દ્રશ્યોમાં વસ્ત્રાપુરની દિલધડક લૂંટ કેદ થઈ. જેમાં એક્ટિવા પર બુકાની બાંધીને આવેલો લૂંટારો ગ્રો મોર કંપનીનો કર્મચારીની આંખમાં મરચું નાખીને પૈસા ભેરલી બેગની લૂંટ કરીને ફરાર થઈ રહ્યો છે. પરંતુ બહાદુર કર્મચારીએ તેની એક્ટિવા ઝડપી લીધી. આ દરમ્યાન અન્ય વેપારીઓ અને પોલીસ પહોંચી જતા લૂંટારું પોલીસ પકડમાં આવી ગયો. ઘટનાની વાત કરીએ તો ગ્રો મોર કંપનીના બે કર્મચારી  સુનિલ ચૌહાણ, સતિષ પટણી IDBI બેન્કમાં પૈસા ઉપાડીને નીકળી રહ્યો હતો. કર્મચારીએ પૈસા ગાડીમાં મુક્યાં અને ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે આંખમાં મરચું નાખીને રૂ 2 કરોડની બેગની લૂંટનો પ્રયાસ કર્યો હતો.
2 કરોડની લૂંટના પ્રયાસ  પોલીસની સજાગતાને કારણે અટક્યો છે. જોકે વસ્ત્રાપુર નજીક ચોકી PSI અને પોલીસકર્મી ચોર ચોરની બુમો સાંભળતા આરોપી અંકુર મોડેસરને ઝડપી લેવાયો. 25 વર્ષનો અંકુર ચાંદલોડિયાનો રહેવાસી છે અને આરોપી ગ્રો મોર કંપનીમાં અવાર નવાર આવતો જતો હતો. માનવામાં આવી રહ્યું છે કે રેકી કર્યા બાદ બપોરે કર્મચારી સુનિલ ચૌહાણ અને સતિષ પટણી કંપનીના પૈસા IDBI બેંકમાં પૈસા ઉપડવા નીકળ્યા. ત્યારે અંકુર એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો અને આંખમાં મરચું નાખીને 2 કરોડની લૂંટ કરી. અંકુરને ખબર હતી કે, કરોડો રુપિયા બેન્કમાં ભરવા અને ઉપડવા જતા હોય છે.
જેથી આરોપીએ પીછો કરીને લૂંટને અજામ આપ્યો.પરતું લૂંટ કરીને ભાગે તે પહેલાં જ ઝડપાઇ ગયો. વસ્ત્રાપુરમાં દિન દહાડે લૂંટની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી સાબિત થાય છે. પરંતુ કર્મચારી અને પોલીસની સજાગતાથી કરોડોની લૂંટને નિષ્ફળ બનાવાઈ. હાલમાં વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(5:04 pm IST)