Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાતના લોકો મલ્ટીપલ સીમકાર્ડનો ઉપયોગ બંધ કરવા લાગ્યા

એરટેલ - વોડાફોન - આઇડિયાએ ગુજરાતમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ગુમાવ્યા : જીયોએ ધૂમ મચાવી

અમદાવાદ તા. ૨૭ : મોબાઈલ અને ડેટા ટેરિફ વધતા તેમજ આવક ઘટતા લોકો મલ્ટિપલ સિમકાર્ડનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે મે મહિનામાં ગુજરાતમાં કુલ મોબાઈલ સબ્સ્ક્રાઇબરમાં ઘટાડો થયો હતો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ બુધવારે રિલીઝ કરેલા ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, મે મહિનામાં કુલ વાયરલેસ સબ્સ્ક્રાઇબર બેઝ ૬.૬૧ કરોડ (૬,૬૧,૭૭,૯૧૧) રહ્યો હતો.

એપ્રિલ મહિનામાં રાજયમાં વાયરલેસ સબ્સ્ક્રાઇબરની સંખ્યા ૬.૬૮ કરોડ (૬,૬૮,૧૬,૪૬૩) હતી, જેમાં ઘટાડો થઈને ૬.૩૮ લાખ (૬,૩૮,૫૫૨) થઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો લોકોના ચોક્કસ સર્વિસ પ્રોવાઈડરમાં ટ્રાન્સફર થવાના વલણને અને મલ્ટિપલ નંબરનો ઉપયોગ બંધ કરવાને આ માટે જવાબદાર ગણાવે છે.

'કેટલાક ટેલિકોમ યૂઝર્સની આવક મે મહિનામાં ઘટી હતી. જેની સામે ટેલિકોમ કંપનીઓએ આ વર્ષની શરૂઆતમાં જ તેમના ટેરિફ વધારી દીધા હતા. ખર્ચ ઘટાડવા માટે મલ્ટિપલ SIM કાર્ડ યૂઝર્સ, સિંગલ SIMમાં શિફટ થઈ ગયા અને આમ સબ્સ્ક્રાઇબરમાં ઘટાડો થયો', તેમ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું. આ ટ્રેંડ ખાસ કરીને શહેરી યૂઝર્સમાં વધારે જોવા મળી રહ્યો છે, તેમ પણ સૂત્રોએ કહ્યું હતું.

એપ્રિલ મહિનામાં ગુજરાતમાં પણ મોબાઈલ સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં માર્ચ કરતાં ૧૧.૧૬ લાખ ઓછા સબ્સ્ક્રાઇબર હતા.

લોકડાઉનના કારણે મે મહિનામાં રિટેલ આઉટલેટ બંધ થવા તે પણ એક કારણ હતું, કારણ કે અપગ્રેડ્સ અને રિન્યૂઅલનું કામ અટકી ગયું હતું. 'મે મહિનામાં ઓફલાઈન રિટેલ બંધ હતું. પરિણામરૂપે નવા કનેકશન મેળવવા ઉપરાંત રિન્યૂઅલ અને અપગ્રેડનું કામ અટવાયું હતું. વધુમાં ગુજરાતથી પોતાના વતન પરત ફરેલા પ્રવાસી મજૂરોએ ખર્ચને ઘટાડવા માટે નંબર ડિએકિટવેટ કરાવી દીધા હતા. આ પરિબળોના કારણે પણ સબ્સ્ક્રાઇબરમાં ઘટાડો થયો છે', તેમ ઈન્ડસ્ટ્રીના અન્ય સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયા સહિતના મુખ્ય ખેલાડીઓએ રાજયમાં મોટી સંખ્યામાં સબ્સ્ક્રાઇબર ગુમાવ્યા છે. જયાં ભારતી એરટેલનો સબ્સ્ક્રાઇબર બેઝ એપ્રિલમાં ૧.૦૩દ્મક ઘટીને મે મહિનામાં ૯૯.૫ લાખ થયો હતો, તો બીજી તરફ આ જ સમયગાળા દરમિયાન વોડાફોન-આઈડિયામાં ૨.૬૫ કરોડથી ઘટીને ૨.૬૧ થયો હતો.

ભારતીય ટેલિકોમ સેવાઓ પરના Jefferiesના એક રિપોર્ટ પ્રમાણે, વોડાફોન-આઈડિયામાં મહાનગરો અને શહેરી વિસ્તારોમાં તેના માર્કેટ શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 'આ બજારોમાં ડ્યૂઅલ-સિમ યૂઝર્સ વધારે છે. એવું લાગી રહ્યું છે કે આ માર્કેટમાં વોડાફોન-આઈડિયાથી દૂર રહીને સબ્સ્ક્રાઇબર તેમના વપરાશને મજબૂત બનાવી રહ્યા છે'.

બીજી તરફ, રિયાલન્સ જિઓએ રાજયમાં ૧.૨૭ લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. જે એપ્રિલમાં ૨.૩૮ કરોડથી વધીને મે મહિનામાં ૨.૩૯ કરોડ થયા છે.

ગુજરાતમાં મે મહિનામાં મોબાઈલ સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં ચોક્કસથી ઘટાડો થયો છે, આ જ સમયગાળામાં મોબાઈલ નંબર પોર્ટિંગ માટેની રિકવેસ્ટ ૧.૭ લાખે પહોંચી છે.

(9:54 am IST)