Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

બોર્ડર રેન્જના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ દ્વારા બે માસમાં ૭ કેસોઃ લાંચીયાઓમાં ફફડાટ

આરટીઓ લાયસન્સ આપવા માટે રૂ.પ૦૦૦ની લાંચ લેતા દલસુખ પરમાર એસીબીના સકંજામાં : નાણા વગર જે ખાતાઓમાં સાચા કામ પણ થતા નથી તેવા ખાતાઓને ટાર્ગેટ કરવા રાજયભરના એસીબી યુનીટોને કેશવકુમાર દ્વારા અપાયેલ આદેશનો કચ્છ-ભુજ-પાલનપુર વિગેરેમાં ચુસ્તતાથી અમલ

રાજકોટ, તા., ૨૭: સામાન્ય લોકોને જે સરકારી ખાતાઓ તથા અર્ધ સરકારી સંસ્થાઓ અને આરટીઓ સહીતની વિવિધ કચેરીઓ સાથે રોજબરોજનો પનારો રહે છે  તેવા આ ખાતાઓમાં ચોક્કસ સ્ટાફ દ્વારા લાંચ વગર કામ જ ન થતું હોવાની વ્યાપક ફરીયાદના પગલે-પગલે રાજયના એસીબી વડા કેશવકુમાર દ્વારા આવા ખાતાઓમાં ડમી ફરીયાદીઓ મોકલી ડિકોય ટ્રેપ ગોઠવવા  રાજયભરના યુનીટોને આપેલ આદેશનો કચ્છ-ભુજ બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ ટીમ દ્વારા ચુસ્તતાથી અમલ કરી ફકત બે માસમાં ૭-૭ કેસ કરતા કટકીબાજોમાં ફફડાટ મચી ગયો છે.

એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલને એવી માહીતી સાંપડેલ કે પાલનપુર આરટીઓ કચેરીમાં  આરટીઓનું લાયસન્સ મેળવવા માટે કાયદેસરની ફી ઉપરાંત વધારાના રૂ. ર૦૦૦ થી રૂ. પ૦૦૦ સુધીની રકમ કટકટાવાતી હોવાની માહીતી મળી હતી. પાલનપુર એસીબીને પણ આ મામલે ખરાઇ કરવા જણાવતા વાતમાં તથ્ય હોવાનું ખુલ્યું હતું.

એક જાગૃત નાગરીકને તૈયાર કરી આરટીઓમાં લાયસન્સ કઢાવવા માટે મોકલી ડિકોય ટ્રેપનું આયોજન કરેલ. જેમાં આરટીઓ (પાલનપુર)માં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા દલસુખભાઇ પરમારે જાગૃત ફરીયાદી પાસેથી લાયસન્સ માટે પ૦૦૦ની માંગણી કરતા જ પાલનપુર  એસીબી પીઆઇ આરટીઓ કચેરીમાં જ આરોપીને મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ ઝડપી લેતા એસીબી વડા કેશવકુમારે બે માસમાં ૭-૭ સફળ કેસો તથા ડિકોય બદલ અભિનંદન આપ્યા હતા.

(12:08 pm IST)