Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સૌરાષ્ટ્ર- કચ્છ અને ગુજરાતના પૂર્વ ભાગોમાં કાલથી ફરી વરસાદી એકટીવીટી જોવા મળશે

બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ મધ્યપ્રદેશના ઉત્તર- પશ્ચિમ ભાગોમાં પહોંચશે ત્યારે : મધ્ય અને ઉત્તર ભારતના રાજયોમાં ફરી વરસાદનું જોરઃ સ્કાયમેટ

નવીદિલ્હીઃ બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ મધ્યપ્રદેશના ઉત્તર- પશ્ચિમના ભાગોમાં પહોંચશે. ત્યારે એકાદ બે દિવસમાં ગુજરાતના પૂર્વભાગો અને સૌરાષ્ટ્ર- કચ્છમાં ફરી વરસાદી એકટીવીટી જોવા મળશે.

સ્કાયમેટના શ્રી દેવેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ મહિનામાં દેશના ઘણા ભાગોમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી વધુ નોંધાયો છે. આગામી દિવસોમાં મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતના રાજયોમાં વરસાદની અસર વધુ જોવા મળશે. કેમ કે વેલમાર્ક લો- પ્રેસર ઓડિસ્સા ઉપર છવાયેલું છે. જે પશ્ચિમી અને ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. મોનસૂન ટ્રફ સિસ્ટમ્સ મધ્ય ભારત આસપાસ છવાયેલ છે. પંજાબ અને હરિયાણાની નજીક છે. જેની અસરથી ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ચોમાસુ સક્રીય રહેશે.

પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઉત્તરાંખંડ, હિમાચલપ્રદેશમાં તા.૨૭, ૨૮, ૨૯ ઓગષ્ટ સુધી વરસાદી એકટીવીટી જોવા મળશે. હળવાથી મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે. પૂર્વ મધ્યપ્રદેશ, છતિસગઢ અને વિદર્ભમાં ૨૪ કલાક વ્યાપક વરસાદ પડશે. ત્યારબાદ સિસ્ટમ્સ વધુ આગળ વધશે. બાદ મધ્યપ્રદેશના મધ્ય અને પશ્ચિમ ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે. ઉત્તરપ્રદેશમાં પણ વરસાદ પડશે. રાજસ્થાનમાં પણ તા.૨૮ અને ૨૯ના શકયતા છે.

આ સિસ્ટમ્સ મધ્ય પ્રદેશના ઉત્તર- પશ્ચિમ ભાગમાં પહોંચશે. ત્યારે ગુજરાત ઉપર પણ અસરકર્તા રહેશે. અમુકભાગોમાં ચોમાસુ ફરી સક્રીય બની જશે અને ગુજરાતના પૂર્વ અને સૌરાષ્ટ્ર- કચ્છમાં અમુક જગ્યાએ વરસાદ પડશે. જો કે ગત દિવસોમાં જેવો સાંબેલાધાર વરસ્યો એવો વરસાદ જોવા મળશે નહી. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા તેમજ  મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ, ગોવામાં ૨૪ થી ૪૮ કલાક ભારે વરસાદની સંભાવના નથી. જયારે દક્ષિણ ભારતમાં કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં પણ નોંધાયો છે. ૨૪ કલાક બાદ આ વિસ્તારોમાં ઘટાડો આવી જશે.

(4:00 pm IST)