Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સોશ્‍યલ મીડિયામાં અમદાવાદ ખાડાનગરી બની રહી હોવાનું કેમ્‍પેઇન શરૂ થતા જ તંત્રએ થીગડા મારવાનું શરૂ કર્યુઃ સોશ્‍યલ મીડિયામાં શાસકોની ભારે ટીકા કરતી પોસ્‍ટ વાયરલ થઇ રહી છે

અમદાવાદઃ દર વર્ષની માફક વરસાદ પડતાંની સાથે જ અમદાવાદ શહેર તો ઠીક પરંતુ સમગ્ર ગુજરાત ખાડા નગરી બની જાય છે. એટલે કે વરસાદ પડતાં જ ખાડાંની રામાયણ શરૂ થઇ જાય છે. છતાં સરકારી તંત્રના પેટનું પાણી હલતું નથી. હોબાળો મચતાં હાલમાં અમદાવાદ શહેરમાં થીગડાં મારવાના ( પેચ વર્ક ) શરૂ થઇ ગયાં છે. આ ખાડાંઓને લઇને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કર્યું હતું કે, “ગુજરાતમાં ખાડા નથી. ખાડામાં ગુજરાત છે. આ ભાજપે કરેલા ભ્રષ્ટાચારના ખાડા છે. જો કે વાત આટલેથી જ અટકતી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં તો રીતસરનું કેમ્પેઇન ચાલુ થઇ ગયું છે.

મોબાઇલમાં વાગતી કોરોનાની કોલર ટ્યુનના બદલે આ નવી કોલરટયુન નાખવાની જરૂર છે તેમ કહીને કોરોના સામે જેમ સરકાર જાગૃતિ ફેલાવે છે તે જ રીતે ખાડા અંગે પણ જાગૃતિ ફેલાવવાના શબ્દો લખ્યાં છે. આમ, અમદાવાદ શહેરમાં ભુવાની ભરમાર પછી હવે ખાડાની રામાયણ શરૂ થઇ છે.

દર વર્ષની માફક વરસાદ પડતાંની સાથે જ શહેરમાં ઠેર-ઠેર ભૂવાની જેમ જ ખાડાં પડવા લાગ્યા છે. આ ખાડાંઓ સોશિયલ મીડિયામાં રમૂજની સાથે સરકારી તંત્રની હાંસી ઉડાવતી પોસ્ટોએ ધૂમ મચાવી છે ત્યારે વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે અને પ્રજાશક્તિ પાર્ટીના પ્રવક્તા પાર્થેશએ પણ ખાડામુક્ત ગુજરાત અભિયાનની પોસ્ટ મૂકી છે. તેમણે કહ્યું છે કે, “કોરોના કોલર ટયુનનાં બદલે આ નવી કોલરટયુન નાખવાની જરૂર છે.

કોલરટ્યુનમાં કહેવાયું છે કે, “ખાડાવાળા રોડ અને ખુલ્લી ગટરથી આજે આખું ગુજરાત લડી રહ્યું છે. પણ યાદ રાખો આપણે ખાડાથી બચવાનું છે, ખાડામાં પડવાનું નથી. એને તારવીને ચાલો. આવા રોડ બનાવવાવાળા જેમ કે કોન્ટ્રાક્ટર, પ્રમુખ, ચીફ ઓફિસર વગેરેનો પૂરો વિરોધ કરો. આ વિરોધ કરનારા યોદ્ધાંની સંભાળ રાખો, તો ગુજરાતમાં બનશે રોડ નવા.

શહેરીજનો સહિત સોશિયલ મીડિયામાં થયેલા ભારે હોબાળાના પગલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યનાં ઇજનેરોને કામે લાગી જવા સૂચના જારી કરી હતી. જેનાં પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી આજે ખાડાં પુરો કામચલાઉ અભિયાન શરૂ થયું છે. તેનાં ભાગરૂપે જ આજે શહેરમાં જયાં ખાડાં દેખાઇ રહ્યાં છે ત્યાં થીંગડા ( પેચ વર્ક ) મારવાનું કામ શરૂ થયું છે.

(5:17 pm IST)