Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમદાવાદના ગુજરાતી પરિવારની દિકરી માધવી ભટ્ટના ક્રિએશનવાળી વેબસિરીઝ ‘આશ્રમ' કાલથી ઓટીટી પ્‍લેટફોર્મ પર નિઃશુલ્‍ક જોવા મળશેઃ ધર્મગુરૂઓના પાખંડનો પર્દાફાશ કરતી આ હાઇપ્રોફાઇલ વેબસિરીઝમાં માધવીએ સ્‍ક્રીન પ્‍લે રાઇટરની ક્ષમતા પુરવાર કરી

અમદાવાદ: હિન્દી ફિલ્મક્ષેત્રે નવી સફળતાઓ હાંસલ કરી રહેલી અમદાવાદની ગુજરાતી પરિવારની દીકરી માધવી ભટ્ટે સુવિખ્યાત હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા પ્રોડક્શન્સમાં તૈયાર કરેલી વેબસિરીઝ આશ્રમ તા. 28મી ઓગસ્ટ 2020ના રોજ MX Player પર નિઃશૂલ્ક પ્રદર્શિત થઇ રહી છે. આજકાલના ધર્મગુરુઓના પાખંડનો પર્દાફાશ કરતી આ હાઇપ્રોફાઇલ વેબસિરીઝમાં માધવી ભટ્ટે ક્રિએટિવ હેડ અને એડિશનલ સ્ક્રીન-પ્લે રાઇટર તરીકેની પોતાની ક્ષમતાઓને પૂર્ણરૂપે અભિવ્યક્ત કરી છે.

અમદાવાદના પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મેલી માધવી ભટ્ટ બાળપણથી જ કલા-સંસ્કૃતિ પ્રત્યે રુચિ ધરાવે છે. માધવીના દાદાજી પ્રેમશંકર ભટ્ટ ગુજરાત સરકારમાં સચિવ કક્ષાએ ઉચ્ચ હોદ્દાઓ થકી રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર સનદી અધિકારી તરીકે નામના ધરાવે છે.માધવીના પિતાશ્રી પ્રદીપભાઇ ભટ્ટ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને હાલમાં ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલમાં ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો ધરાવે છે. બે પુત્રીઓના પિતાશ્રી પી.પી. ભટ્ટ બન્ને પુત્રીઓને પોતાના ક્ષેત્રમાં કાર્યરત રહીને કારકિર્દીને આગળ ધપાવતી જોઇને ખૂબ ગર્વ અનુભવતાં જણાવે છે કે બન્ને પુત્રીઓના ઉછેરમાં માતા અતુલાનું વિશેષ યોગદાન છે.

માધવીની મોટી બહેન ધરા ભટ્ટ એડવોકેટ અને સોલિસિટર તરીકે વ્યવસાયિક કારકિર્દી ધરાવે છે. માધવીએ અમદાવાદની એચ.એલ.કોલેજમાંથી બી.કોમ. થયા બાદ કાયદાક્ષેત્રે સંકળાવાને બદલે પોતાની રુચિ અનુસાર કલાક્ષેત્રે લક્ષ્ય કેન્દ્રિત કરીને ફિલ્મ દિગ્દર્શનનો કોર્સ કરીને ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. માધવીએ સત્યઘટના પર આધારિત પ્રથમ શોર્ટ ફિલ્મ મૃતક બનાવી હતી, જેને જોઇને જાણીતા હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા પ્રભાવિત થયા હતા અને તેમણે માધવીને પોતાના પ્રોડક્શન હાઉસમાં નિમંત્રિત કરી હતી, જે માધવીની કારકિર્દીમાં ખૂબ જ મહત્વની ઘટના બની રહી. શોર્ટ ફિલ્મ મૃતક બર્લિન શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ હતી. ઉપરાંત તે મુંબઇ વિમેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડિયન સિનેફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ હતી અને તેનું સ્ક્રીનિંગ પણ થયું હતું.

સુવિખ્યાત નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે કાર્ય કરવાની તક મળતાં માધવીએ પૂરી ધગશ અને લગન સાથે પ્રોડક્શન હાઉસમાં કામગીરી શરૂ કરીને ટૂંકા ગાળામાં જ પ્રકાશ ઝાના વિવિધ ફિલ્મ પ્રોજેક્ટ્સમાં દિગ્દર્શનનો અનુભવ મેળવીને સફળતાપૂર્વક કામગીરી સંભાળી લીધી. પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકાવાળી જય ગંગાજલમાં પ્રકાશ ઝાના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી કરી હતી. ત્યારબાદ માધવી ભટ્ટે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી ટી.એસ. ઠાકુરના સૂચનથી પ્રકાશ ઝા પ્રોડક્શનના બેનર હેઠળ સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકો માટે કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા માટે 15 શોર્ટ ફિલ્મ અને એક ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી. સાથે બે થીમ સોન્ગ પણ તૈયાર કર્યાં હતાં. જે પૈકીનું સોનુ નિગમના કંઠે ગવાયેલું, મનોજ મુન્તસિર દ્વારા લિખિત અને સલીમ-સુલેમાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલા એક મુઠ્ઠી આસમાન પે હક્ક હમારા હી હૈ.... ગીત ખૂબ જ પ્રચલિત થયું હતું. નાલસાનું આ થીમ સોન્ગ જાગૃતિ ફેલાવવાનું કાયમ યાદગાર માધ્યમ બની રહેશે.

માધવી ભટ્ટે આ ઉપરાંત પ્રકાશ ઝાની અત્યંત જાણીતી હિન્દી ફિલ્મ  જય ગંગાજળમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર ઉપરાંત પરીક્ષા ફિલ્મમાં ક્રિયેટિવ હેડ તરીકે ખૂબ અગત્યનું યોગદાન આપેલું છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રજૂ થયેલી પરીક્ષા ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ સાંપડેલો છે. પ્રકાશ ઝા નિર્મિત અને દિગ્દર્શિત વેબસિરીઝ આશ્રમ ધર્મગુરુઓના પાખંડી સ્વરૂપને રજૂ કરે છે, જે પોતાના સ્વાર્થ માટે ધાર્મિકવૃત્તિ ધરાવતા લોકોનો ગેરલાભ ઊઠાવી બદઇરાદાઓને પૂરા કરતા હોય છે. ફિલ્મનિર્માણ ક્ષેત્રે આગવી છાપ અને મિસાલ કાયમ કરે એવી કક્ષાની તૈયાર કરાયેલી છે.

29 વર્ષની વયમાં જ માધવી ભટ્ટે મુંબઇમાં ફિલ્મનિર્માણ અને દિગ્દર્શનના ક્ષેત્રમાં આગવી છાપ ઊભી કરેલી છે, જે સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ છે. ક્રિયેટિવ હેડ તરીકે આગામી સમયમાં અનેક નવા પ્રોજેક્ટ્સ માધવી ભટ્ટના હાથ પર છે, જેમાં તે મહત્વનું યોગદાન આપવા સાથે ફિલ્મ દુનિયામાં ફિલ્મ નિર્માણમાં ગુજરાતી યુવતી તરીકે પોતાની વિશેષ છબિ ઊભી કરી રહી છે. માધવી ઇન્ડિયન ફિલ્મ અને ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિયેનની પણ મેમ્બર છે.

(5:29 pm IST)