Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગાંધીનગરમાં સે-21માં આવેલ શોપિંગ સેન્ટરની બાજુમાં વરસાદના કારણોસર રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી

ગાંધીનગર: શહેરના સેક્ટર-૨૧ ખાતે આવેલાં શાકમાર્કેટની પાસે મુખ્ય શોપીંગ સેન્ટરમાં અસંખ્ય દુકાનો આવેલી છે. જ્યાં આગળ મોટી સંખ્યામાં નગરજનો ખરીદી અર્થે આવતાં હોય છે. વાહન લઇને આવતાં નગરજનોને પાર્કિંગની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા થોડા સમય અગાઉ જ શોપીંગ સેન્ટરની પાસે પાર્કીંગ પ્લેસ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આગળ ખરીદી અર્થે આવતાં લોકો પોતાના વાહનોને પાર્ક કરી શકે તે પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે ચોમાસાની મોસમમાં વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે વાહન પાર્ક કરવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં થયેલાં વરસાદના પગલે પાર્કિંગ પ્લેસમાં પાણી ભરાઇ જવાના કારણે વાહન પાર્ક કરવામાં પણ ખરીદી અર્થે આવતાં લોકોને મુંઝવણ ઉભી થાય છે તો પાણીનો નિકાલ નહીં થવાના કારણે પાર્કીંગ પ્લેસમાં કાદવ કિચડ થઇ જવાથી વાહનચાલકોને વાહન પાર્કીંગ કરવામાં પણ હેરાન પરેશાન થવું પડે છે. તો બીજી તરફ સતત થયેલા વરસાદમાં પાર્કીંગ પ્લેસ ધોવાઇ જવાથી કપચી પણ ઉખડી રહી છે જેના પગલે ઉબડ ખાબડ થઇ જવા પામ્યું છે.   તંત્ર દ્વારા પાર્કીંગ પ્લેસ બનાવવામાં આવ્યું છે પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે કોઇ જ વ્યવસ્થા ઉભી નહીં કરાતાં આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જેથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

(6:19 pm IST)