Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઈડરના વડીયાવીર ગામની સીમમાં આવેલ અંબાજી માતાના મંદિરને નિશાન બનાવી તસ્કરોએ 1.83 લાખની મતાની ઉઠાંતરી કરી

ઇડર: શહેરના વડિયાવીર ગામની સીમમાં આવેલા અંબાજી મંદિરમાં મંગળવારની રાત્રે ત્રાટકેલ તસ્કરો માતાજીના ચાંદીના છત્ર તથા પાદુકા અને દાનપેટીની રોકડ મળી રૂ. ૧.૮૩ લાખની મત્તાની તસ્કર કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ હાથ ધરી છે. વડિયાવીર ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં મંગળવાર રાત્રિથી બુધવારની વહેલી સવારના કોઈ પણ સમયે તસ્કરો ત્રાટક્યા હતા.

મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરો ત્રણ કિલો વજનનું ચાંદીનું છત્ર અને ૫૦૦ ગ્રામ વજનની ચાંદીની ભગવાનની પાદુકા તેમજ ચાંદીનું યંત્ર અને દાનપેટીની રૂ. ૫૦૦૦ની રોકડ મળી કુલ રૂપિયા ૧,૮૩,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન સવારે મંદિરના પૂજારી પૂજા કરવા ગયા ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં પૂજારી તથા મહંત થકી ઘટના બાબતે પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પંચનામાની વિધિ બાદ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધી ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત આરંભી છે.

(6:21 pm IST)