Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

એટ્રોસિટીના કેસમાં ફરિયાદીને સાંભળ્યા વિના જામીન મળી શકે

હાઈકોર્ટનો એટ્રોસિટી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો : આરોપીએ કોર્ટે ફરિયાદીને સાંભળ્યો ન હોઈ ત્યાં સુધી જેલમાં રહેવું પડ્યું : આ સ્થિતિ ન ઊભી થાય તે માટે ચુકાદો

અમદાવાદ, તા. ૨૭ : એટ્રોસિટીના કેસમાં જામીન અંગે એક મહત્વનો ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે આવા કેસમાં જામીન આપતી વખતે કોર્ટે ફરિયાદી કે પીડિતને સાંભળવાની જરુર નથી. સેક્શન ૧૫એ હેઠળ એટ્રોસિટીના કેસમાં આરોપીને જામીન કે ફર્લો આપતા પહેલા ફરિયાદીને કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મૂકવાનો હક્ક મળેલો છે. જેને પડકારતી અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે. હેમલ જૈન નામના અરજકર્તા દ્વારા આ પિટિશન કરાઈ હતી. અરજકર્તા પર તેમના એક કર્મચારીએ જાતિગત શબ્દો કહેવા બદલ એટ્રોસિટીનો કેસ કર્યો હતો. જૈને ધરપકડ બાદ જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટને ફરિયાદીનો પક્ષ પણ સાંભળવાનો હોવાથી આરોપીને કેટલોક સમય જેલમાં વિતાવવો પડ્યો હતો.

           જૈનના વકીલ વિરલ પોપટે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ ગુનો જામીનપાત્ર છે, અને કાયદાની ગેરવાજબી જોગવાઈને કારણે તેમના અસીલને જેલમાં રહેવું પડ્યું હતું. કોર્ટે જૈનની પિટિશન પર સુનાવણી કરતા કહ્યું હતું કે જ્યારે આરોપી સામે જામીનપાત્ર ગુનો નોંધાયો હોય ત્યારે તેને જામીન આપતા પહેલાં સેક્શન ૧૫એ (૫) હેઠળ પીડિત કે ફરિયાદીને સાંભવાની જરુર નથી. હાઈકોર્ટે સ્પષ્ટતા કરતા એમ પણ જણાવ્યું હતું કે આરોપીની જામીન અરજી પર ફરિયાદી કે પીડિતને સાંભળવા કે નહીં તે અંગેનો કોઈપણ નિર્ણય લેતા પહેલાં કોર્ટે એટલી ચોકસાઈ અવશ્ય કરવી કે આરોપી સામે કરાયેલા આરોપ ખરેખર જામીનપાત્ર છે. અરજકર્તાના વકીલના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના ચુકાદાથી એટ્રોસિટીના કેસમાં જામીન આપતા પહેલાં ફરિયાદીનો પક્ષ સાંભળવાનું કોર્ટ માટે ફરજિયાત નથી રહેતું. જાતિ વિષયક અપશબ્દ કહેવા કે સામાન્ય હુમલાના કેસમાં જ્યાં કલમ ૩૨૩ હેઠળ કેસ નોંધાયો હોય તેમાં કોર્ટ હવે ફરિયાદીને સાંભળ્યા વિના આરોપીને જામીન આપી શકે છે. જો કે આ બંધારણીય જોગવાઈને દૂર કરવાની માગણીને કોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કલમ ૧૫એ (૩) આર્ટિકલ ૧૪ અને ૨૧નો ભંગ નથી કરતી.

(7:28 pm IST)