Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

મિત્રની પત્નિને નશાવાળી ચોકલેટ ખવડાવી દુષ્કર્મ કર્યું

ધરપકડ બાદ આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યો : વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મિત્રની પત્નિ ઉપર વારંવાર દુષ્કર્મ આચરનારો આરોપી સિવિલમાંથી ફરાર

અમદાવાદ,તા.૨૭ : નશાવાળી ચોકલેટ ખવડાવ્યા બાદ મિત્રએ જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જે બાદમાં આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી મિત્રની પત્ની પર આરોપી અનેક વખત દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. આરોપીએ પીડિતા સાથે અનેક વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે, આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે સુનીલ ભંડેરી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.

               જે બાદમાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા વર્ષ ૨૦૧૭માં તેના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી. જ્યાં બિલ્ડર પતિના મિત્ર સુનીલ ભંડેરી મળ્યો હતો. લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનિલે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે, 'તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે. મારે પત્ની માટે આ સાડી લેવાની છે.' આમ કરીને તે મિત્રના ઘરે અવારનવાર આવવા લાગ્યો હતો. આ દરમિયાન જૂન ૨૦૧૭માં સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો હતો અને મિત્રની પત્નીને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ જતા, સુનીલે તેના બીભત્સ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં ત્યારબાદ પણ આરોપી સુનિલ અવારનવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હોવાનો આરોપ પણ ફરિયાદી મહિલાએ લગાવ્યો છે. મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, આરોપી સુનિલ ભંડેરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જુદી જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ આચરતો હતો. સુનિલની હરકતો ઘણા સમયથી ચાલુ જ હતી, આ દરમિયાન વર્ષ ૨૦૧૯માં ૧૧ ઓક્ટોબરના રોજ સુનિલ અને મહિલા ઘરે એકલા હતા ત્યારે ઝઘડો થતા મહિલાએ સુસાઇડ નોટ લખી ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

(7:30 pm IST)