Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

વલસાડ જીઆઈડીસીની કલર બનાવતી કંપનીમાં આગ લાગી

આગમાં કોઈ જાનહાની નથી થઈ : વિકરાળ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી : ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર નિયંત્રણ મેળવ્યું

વલસાડ,તા.૨૭ : વલસાડનાં સરીગામ જીઆઈડીસીની કલર બનાવતી સેવન ઇલેવન કંપનીમાં બુધવારે આગ લાગી છે. હાલ ૪થી વધુ ફાયર ફાઇટર વિકરાળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ આગ વહેલી સવારે લાગી હોવાથી સદનસીબે કંપનીમાં કોઇપણ માણસ હાજર ન હતુ જેના કારણે હજુ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી. આ વિકરાળ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી. આ આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. આ બંન્ને ટીમનો એક જ ધ્યેય હતો કે આ આગ આસપાસ આવેલી કંપનીઓમાં ન ફેલાય. જો આસપાસ ફેલાય તો આગને કાબુ કરવી ઘણી જ મુશ્કેલ બની શકે છે. કલર બનાવતી કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યાં હતા.

આ કંપનીમાં સોલવન્ટનાં જથ્થામાં આગ લાગી હતી જેથી પાણીથી આ આગને સરળતાથી બુઝાવી શકાતી નથી. જેથી આ આગને બુઝવવા માટે ફોમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ આગની ઘટનાની જાણ થતા આસપાસના કંપનીનાં માલિકો પણ દોડી આવ્યાં હતા. જોકે, કલાકોની જહેમત બાદ આ આગ પર થોડો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જરૂર પડશે તો અન્ય ફાયર ફાઇટરને બોલાવવામાં આવશે. નોંધનીય છે કે, ૮મી ઓગસ્ટનાં રોજ અમદાવાદમાં નારોલ-પીરાણા રોડ પર નંદન ઍક્ઝિમ નામની કંપનીમાં આગની ઘટના બની હતી. જેમા ફાયરબ્રિગેડનાં ૧૭ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને કાબૂમાં લેવાના પ્રયાસો કરાયા હતા. આ ઘટનામાં કંપનીના કોઈ કર્મચારીને ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ એક ફાયરમેનને ઈજા થઈ હતી. જેમને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(7:40 pm IST)