Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

બિનહરીફ થયાનો આનંદ મુરઝાયો : ભરૂચ નર્મદા દુધધારા ડેરીના ચેરમેન સહિત તમામ ડિરેક્ટર ને રાજ્ય રજિસ્ટ્રારે નોટિસ ફટકારી

કેન્દ્રીય આદિવાસી આયોગની તપાસમાં ગેરરીતિ પકડાઈ હોવાની વાત સામે આવી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ભરૂચ અને નર્મદાના પશુપાલકોની મહત્વની સહકારી સંસ્થા દૂધધારા ડેરીના તમામ ડિરેક્ટરને રાજ્ય ના ચીફ રજિસ્ટ્રારે નોટિસ ફટકારી ખુલાસો માંગતા હાલ સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ દૂધધારા ડેરી ની તાજેતર ની ચૂંટણી માં દસ બેઠકો બિનહરીફ મેળવનાર ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલ નો આનંદ શમે તે પહેલાજ તેમને ચીફ રજિસ્ટ્રાર ની કાર્યવાહી નો સામનો કરવાનો સમય આવ્યો છે કારણ કે ડેરી એ દેડીયાપાડા માં પશુદાણ ફેક્ટરી માટે જે જમીન ખરીદી હતી જેમાં કાયદાનો ખુલ્લેઆમ ભંગ થતા અને કલેકટર ની જરૂરી મંજૂરી નહિ લેતા કલેકટર નર્મદાએ ડેરીને ચોવીસ હજાર રૂપિયા જેટલો દંડ ફટકાર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ડેરી તરફથી ચેક થી આ પેનલટી ની રકમ ભરી દેવામાં આવી હતી, જોકે સાકરી કાયદા મુજબ સંસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવું એ ગુનો બને છે દરમ્યાન કેન્દ્રીય આદિવાસી આયોગની તપાસ શરુ થતા અને તેમાં પેન્લટી નો મુદ્દો ઉપસ્થિત થતા ડેરી ના એમ ડી એ પોતાના અંગત ખાતામાંથી આ રકમ ડેરી માં જમા કરાવી જેની આયોગના તપાસ અધિકારી ઓએ ગંભીર નોંધ લીધી અને તપાસ ના અંતે ગુજરાત સરકાર ને એકશન ટેકન રિપોર્ટ રજુ કરી આ ડેરી સામે કાર્યવાહી કરવા જણાવ્યું ત્યારે આ કેન્દ્રીય આયોગ નો રિપોર્ટ હોવાથી ગુજરાત સહકાર વિભાગે પણ તેની ગંભીર નોંધ લીધી અને ડેરી સંચાલકો ને નોટિસ ફટકારી દસ દિવસ માં ખુલશો માંગ્યો છે. રાજ્ય ચીફ રજિસ્ટ્રારના આ હિમ્મત ભર્યા પગલાંને સહકારી ક્ષેત્રમાં ભારે આવકાર મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસો માં સરકાર આ મામલે ભીનું સંકેલે છે કે ડેરી સંચાલકો સામે કાયદેસર ની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

(8:51 pm IST)