Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરની ગાદી પર વ્હાલા સંતને બેસાડવા મુદ્દે હોબાળો મચ્યો

દર્શન-ભજન-કિર્તન માટે એકત્ર થયેલા કેટલાક સત્સંગીઓ દ્વારા પ્રેમસ્વરૃપ સ્વામી તો કેટલાક દ્વારા પ્રબોધજીવન સ્વામીને ગાદી સોંપવા હોબાળો મચાવ્યો

આણંદ :શહેર નજીકના હરિધામ સોખડાના પરમાધ્યક્ષ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની રવિવારે દ્વિમાસિક પુણ્યતિથીની પૂર્વ સંધ્યાએ શનિવારે રાતે દર્શન-ભજન-કિર્તન માટે હરિભક્તો એકત્રિત થયા હતા. જે પૈકી કેટલાક ભક્તોએ લાગણીના આવેગમાં હોબાળો મચાવી પોતાના વ્હાલા સંતને જ ગાદી પર બિરાજમાન કરાવાની જીદ પકડી હતી.

કેટલાક સત્સંગીઓ દ્વારા પ્રેમસ્વરૃપ સ્વામી તો કેટલાક દ્વારા પ્રબોધજીવન સ્વામીને ગાદી સોંપવા હોબાળો મચાવ્યો હતો. જોકે, બન્ને સ્વામી દ્વારા કોઇને પણ ગાદી સોંપવામાં આવે તેમાં તેમને વાંધો ન હોવાનું જણાવતા મામલો શાંત થયો હતો. શનિવારે રાતેે હરિધામના સૂત્રધારની વરણી માટે નહિં, પરંતુ બ્રહ્મલીન સ્વામીજીના દિવ્ય અસ્થિને સ્વામિનારાયણ પરંપરાના પ્રાસાદિક સ્થળો ગઢડા, ગોંડલ, ચાણોદ, જુનાગઢ, હરિદ્વાર-ઋષિકેશ ખાતે વિર્સિજત કરવાના આયોજન માટે સભા યોજાઇ હતી. જેમાં, આંગળીના વેઢે ગણાય એટલા હરિભક્તોએ હોબાળો મચાવી વાતાવરણ ડહોળ્યું હતું.

રવિવારે પ્રેમસ્વરૃપ સ્વામીજી અને પ્રબોધજીવન સ્વામીજીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે બ્રહ્મલીન સ્વામીજીના વારસદાર નક્કી કરવા બેઠક મળી ન હતી. કેટલાક આગેવાન હરિભક્તોએ હરિધામ પરંપરાના ગાદીપતિ બાબતે પોતાની લાગણી-માગણી વ્યક્ત કરી હતી. મોડેથી બંને સ્વામીએ કહ્યું કે અસ્થિ વિસર્જન માટે આજે સાંજે બેઠક રાખવામાં આવી હતી પરંતુ ભારે વરસાદના કારણે બેઠક મૂલત્વી રાખવામાં આવી હતી.

 

(10:15 am IST)