Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વાવાઝોડુ ‘ગુલાબ’ની અસર સમગ્ર રાજયને કરશે

આવતા ૭૨ કલાક અતિ મહત્વના : સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણી કહે છે કે આજે મધ્યમ અને કોઈ કોઈ જગ્યાએ ભારે તેમજ આવતીકાલે મંગળવાર અને બુધવારે સાર્વત્રિક ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે

રાજકોટ, તા. ૨૭ : આંધ્રના દરિયાકિનારે ત્રાટકેલુ વાવાઝોડું ‘ગુલાબ’ની સંભવિત અસરથી આગામી ત્રણ દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એક્સપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ ‘અકિલા’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, વાવાઝોડુ ‘ગુલાબ’ આંધ્રના દરિયાકિનારે ત્રાટક્યુ છે તેનો સંભવિત ટ્રેક સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય છે. આ વાવાઝોડુ ગુજરાત ઉપર પહોચશે ત્યારે નબળુ પડી હવાના હળવા દબાણ સ્વરૂપે બની જશે. પરંતુ જારદાર વરસાદ વરસાવી જશે. સામાન્યતઃ આવી સિસ્ટમ્સ ધીમી ગતિએ ચાલતી હોય કોઈપણ જગ્યાએ વધારે સમય રહેતી હોય વધુ વરસાદ લાવતી હોય છે.

આ સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્રમાં આવતા ૭૨ કલાક ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. આજે સોમવારે મધ્યમ, તેમજ કોઈ કોઈ જગ્યાએ ભારે તેમજ આવતીકાલે મંગળવારે અને બુધવારે ભારે થી અતિ ભારે સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા પણ સમગ્ર ગુજરાત ભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને ઍલર્ટ રહેવા સુચનાઓ આપવામાં આવી છે.

(10:54 am IST)