Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરેન્દ્રનગરના પાટડીના બજાણા પુલ પાસે ઝરખ દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટ ફેલાયો

બજાણા ઘુડખર અભ્યારણ વિસ્તારમાંથી રોડની નજીક ઝરખે દેખા દેતા વન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ

સુરેન્દ્રનગર :પાટડી તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ વિસ્તારમાં ઘુડખર, યાયાવર પક્ષીઓ, રણ લોંકડી જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં થોડા સમયથી ઝરખની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. હાલ બજાણા અભ્યારણ વિસ્તારમાં પાંચથી વધારે ઝરખ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પાટડીથી સવલાસ મામાની દેરી પાસે આવેલા પુલ નજીક ઝરખ જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બજાણા ઘુડખર અભ્યારણના આર.એફ.ઓ.અનિલ રાઠવાને જાણ થતાં વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાંમાં સામે આવ્યું હતું કે, ઝરખ ખોરાકની શોધમાં આવ્યું હોવાનું જાણવા મળે છે તથા ઝરખ માદા હોવાનું પણ જાણવા મળ્યું હતું. બજાણા ઘુડખર અભ્યારણ વિસ્તારમાંથી રોડની નજીક ઝરખે દેખા દેતા વન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું ઝરખ અભ્યારણ વિસ્તારમાં જ હોવાથી તેને રેસ્ક્યું કરી અન્ય વિસ્તારમાં લઇ જવામાં આવશે નહીં. પરંતુ ઝરખે દેખા દીધી છે, ત્યાં સવલાસ અને બજાણા ગામ નજીક હોવાથી આગામી દિવસોમાં ઝરખનું રેસ્ક્યુ કરી માનવ વસાહતથી અભયારણ્ય વિસ્તારની અંદર લઈ જવા પ્રયત્ન હાથ ધરવામાં આવે તેવુ જાણવા મળ્યુ હતુ.

કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું અને ગરદન પર ઉગેલા વાળના લીધે ભરાવદાર અને વિચીત્ર દેખાવને લીધે કુતરા કરતા મોટા કદનું લાગતા દુર્લભ ઝરખનું રહેઠાણ બજાણા વીડમાં મળી આવ્યું છે. આ વેરાન જગ્યા પર ઝરખના વિવિધ સંખ્યાબંધ દરો અને અસંખ્ય મૃત પશુઓના હાડકા અને ઝરખની હગાર મળી આવી હતી.

(11:46 am IST)