Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આઈપીએસ બદલી બઢતીનું રિમોટ કોનાં હાથમાં રહેશે? ખાનગીમાં ભારે શોધખોળ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી સુધી કોઈને સમય નથી, સહુનો સાથ, સહુનો સહકાર મેળવવાના મુખ્યમંત્રીનાં વલણથી સારા પોસ્ટીંગ માટે તલપાપડ અધિકારીઓની મૂંઝવણ વધી : જૂની સરકારમાં સારા પોસ્ટિંગ મેળવી આનંદ મેળવનાર હવે પોતાના ભાવિ અંગે ચિંતામાં : પ્રાથમિક તારણ સતાનું કેન્દ્ર કમલમઃ જોકે પ્રથમ ઓર્ડર બાદ જ સાચો અંદાજ આવવાની ધારણા

 રાજકોટ તા. ૨૭,  આઇપીએસ અધિકારીઓની બઢતી બદલી અંગેની પનોતી નવી સરકાર આરૂઢ થયા બાદ ઉતરી ન હોય તેમ લાંબા સમય થયા એસપી અને ડાયરેકટ આઇપીએસ અધિકારીઓની બદલીઓ લાંબા સમયથી અટકી પડી છે ત્યારે આઇપીએસ એસો.ની રજૂઆતો બાદ પણ કોઈ સ્પષ્ટ અણસાર દેખાવાના બદલે રૂપાણી સરકાર દ્વારા મુકાયેલ આઇએએસ અધિકારીઓના ફરીથી ફેરફારની ચર્ચાથી આઇપીએસ અધિકારીઓમાં નિરાશા જાગવા સાથે સતાના કેન્દ્ર અંગેની શોધખોળ અંગે ખાનગીમાં તપાસ ચાલી રહી છે.  

 હાલમાં ૨૦૦૭ બેચના એસપી લેવલના અધિકારીઓ બઢતી માટે લાંબા સમયથી હકદાર બન્યા છે. બીજી તરફ ૨૦૧૬ બેચના એક બઢતીમાં તાલીમ અધૂરી હોવાથી બાકી રહેલ મહિલા અધિકારીઓ સહિત  ૨૦૧૭ બેચના ડાયરેકટ એ.એસ.પીઓને એસપી પદે બઢતી આપવા સાથે સિનિયર લેવલે રેન્જ વડા અને પોલીસ કમિશનર સાથે એડી. ડીજી લેવલે મહત્વના ફેરફારો લાંબા સમયથી તોળાઈ રહ્યા છે. 

 આઇપીએસ અને સચિવાલય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આજથી શરૂ થયેલ બે દિવસનું વિધાન સભા સત્ર, નવી સરકાર માટે કસોટીરૂપ ગાંધીનગર મહા નગરપાલિકા ચૂંટણી સુધી અન્ય બાબત ગૌણ છે.GPS લેવલના ડાયરેકટ dysp ના મુદ્દે આજ મુદ્દો છે.

 અધિકારીઓમાં નવી સરકારમાં હવે કયા સિનિયર રાજકારણીઓનું મહત્વ રહેશે? તે બાબતે દુવિધા છે. આનું કારણ એ છે કે ભુપેન્દ્રભાઈ દરેક સિનિયર સાથે ઘરોબો રાખે છે. આનંદીબેન દ્વારા તેમને વિધાનસભા ટિકિટ આપવામાં આવી હોવા છતાં અમિતભાઈ પરિવાર સાથે પણ પારિવારિક નાતો રાખે છે. વિજયભાઈ સાથે પણ નિખાલસ રીતે મળે અને નીતિનભાઈ સાથે પણ પ્રેમથી મળી એક હકારાત્મક છાપ ઊભી કરી. પરંતુ જેમને સારા પોસ્ટિંગ માટે તલાસ છે તેઓ ગોટે ચડ્યા છે.

બીજી તરફ વિજયભાઈ સરકાર કે જેમાં મોટા ભાગે પોસ્ટિંગ તત્કાલીન ગ્રૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યા છે તેવો પણ ચિંતિત છે. પ્રાથમિક નિષ્કર્ષ એ પ્રકારનું છે કે વર્ષોથી જેમને ગૃહ મંત્રી બનવાની ઈચ્છા હતી તેવા તેજો તરાર યુવાન હર્ષ સંઘવી જે નિર્ણય લેશે તે તેમના રાજકીય ગુરુ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલને વિશ્વાસમાં લઇને લેશે   જોકે સાચો ખ્યાલ તો પ્રથમ ઓર્ડર બાદ આવશે,જોકે જૂની સરકારના વિશ્વાસુ ટોપ ટુ બોટમ અત્યારે પોતાના ભાવિ અંગે ચિંતિત છે. 

(11:49 am IST)