Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

હું મારા કામમાં સફળ થાઉં અને મને જે જવાબદારી સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવું એવી સંતો અને ભગવાનના ચરણમાં પ્રાર્થના છે: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ SGVP ગુરુકુલમાં દર્શને પધારતા ઋષિકુમારો અને સંતોએ કરેલું ભાવભીનું સ્વાગત.

અમદાવાદતા. ૨૭ તાજેતરમાં નવા વરાયેલ ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ  પટેલ ગુરુકુલમાં દર્શને પધારતા. ઋષિકુમારોના વૈદિક મંત્રગાન સાથે  ગુરુકુલના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ હાર પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ SGVP ઇન્ટરનેશનલ સ્કુલ  અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનો ટુંકમાં પરિચય આપ્યો હતો.

ત્યારબાદ શ્રી રાઘવજીભાઇ  પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા આ સંસ્થાના એક કાર્યક્રમમાં આવવાનું થયું ત્યાં જ થોડા દિવસમાં જ મારી ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી તરીકેની વરણી થઇ  તે સંતોની કૃપા હું માનું છું.

હું તો એક ખેડૂત પુત્ર છું. મારો ઉછેર ગામડામાં થયો છે. ગાયમાતાના ઉત્કર્ષ માટે હું સતત પ્રયત્નશીલ છું. હું તો સંતો અને ભગવાન પાસે આશીર્વાદ માગું છું કે હું મારા કામમાં સફળ થાઉં. મારા હાથથી કોઇનું બુરું ન થાય. મને કોઇ ખરાબ વિચાર ન આવે અને સરકારે મને જે જવાબદારી સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવું અને મારા  કાર્યમાં હું ક્યારેય પાછો ન પડું, એવા સંતો મને આશીર્વાદ આપે,

આ પ્રસંગે અંકલેશ્વરના ઉદ્યોગપતિ વિપુલભાઇ ગજેરા, હસમુખભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:46 pm IST)