Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યોઃ ૬૦ દિવસમાં ૨૫ લોકોના મોત

છેલ્લા બે માસથી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે

અમદાવાદ, તા.૨૭: શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવાના આરોગ્ય વિભાગના પ્રયત્નો છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. જેમાં અમદાવાદ શહેરમાં રોગચાળાને લીધે બે મહિનામાં ૨૫ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસથી રોગચાળો વકરતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં ડેન્ગ્યુના ૧૧૨૫ કેસ અને મેલેરીયાના ૬૨૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પ્રબળ સંભાવના વ્યકત કરાઈ છે.

શહેરના વિવિધ રહેણાંકોમાંથી પાણીના લેવામાં આવેલા ૨૦૨ સેમ્પલનો કલોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. બેકટોરોયોલોજીકલ ટેસ્ટમાં પાણીના ૧૫૫ સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે.

આંકડાની વાત કરીએ તો જાન્યુઆરી-૨૦૨૦થી સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં મેલેરીયાના કુલ ૪૩૬ કેસ નોંધાયા હતા. આ વર્ષે આ સમય દરમ્યાન મેલેરિયાના કુલ ૬૨૭ કેસ નોંધાયા છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૨૫૫ કેસ નોંધાયા હતા.આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૧૧૨૫ કેસ નોંધાયા છે.

ગત વર્ષે ઝેરી મેલેરીયાના સપ્ટેમ્બર સુધીમાં ૩૫ કેસ નોંધાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ૫૩ કેસ નોંધાયા છે. ચીકનગુનીયાએ પણ આ વર્ષે શહેરના અનેક લોકોને ભરડામાં લીધા છે. ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ચીકનગુનીયાના ૧૯૬ કેસ નોંધાયા હતા.

આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૫૯૨ કેસ નોંધાયા છે.આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેલેરીયાના ૧૬૫ કેસ, ઝેરી મેલેરીયાના ૧૨ કેસ, ડેન્ગ્યુના ૪૨૭ કેસ અને ચીકનગુનીયાના ૧૮૩ કેસ નોંધાયા છે.

(1:08 pm IST)