Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખેડૂતો આનંદોઃ સરકારની મહત્વની જાહેરાત

લાભ પાંચમના શુભ દિવસથી ટેકાના ભાવે શરૂ કરાશે મગફળીની ખરીદી

 

અમદાવાદ, તા.૨૭: લાભ પાંચમના શુભ દિવસથી રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન રાજય સરકારે મગફળીની ખરીદી મુદ્દે જવાબ રજૂ કર્યો. આ દરમ્યાન કૃષિપ્રધાન રાઘવજી પટેલે લાભ પાંચમથી મગફળીની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. એટલે કે તારીખ ૯ નવેમ્બરના રોજથી રાજય સરકાર દ્વારા મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે.

છેલ્લાં ૨ વર્ષમાં નાફેડ દ્વારા ૭ લાખ ૩ હજાર ૧૩૭ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઇ

સરકારે જણાવ્યું કે, રાજયમાં ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા છેલ્લાં ૨ વર્ષમાં ૭ લાખ ૩ હજાર ૧૩૭ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રતિ કિવન્ટલ ૫ હજાર ૨૭૫ રૂપિયા અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૫ હજાર ૫૫૦ રૂપિયા પ્રતિ કિવન્ટલના ભાવે ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ છેલ્લાં એક વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. ત્યારે સરકારે તેલના ભાવવધારા માટે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા તેમજ પરિવહન મુશ્કેલીઓને જવાબદાર ઠેરવી છે.

છેલ્લાં ૧ વર્ષમાં સિંગતેલ, કપાસિયા અને પામોલિન તેલમાં થયો આટલો ભાવ વધારો. મહત્વનું છે કે છેલ્લાં ૧ વર્ષમાં સિંગતેલના ભાવમાં પ્રતિ કિલો દીઠ ૧૮ રૂપિયા, કપાસિયા તેલમાં પ્રતિ કિલો દીઠ ૩૨ રૂપિયા અને પામોલિન તેલમાં પ્રતિ કિલો દીઠ ૧૦ રૂપિયાનો વધારો થયો છે.

(3:37 pm IST)