Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સરકાર નિષ્ફળતા છુપાવવા સત્રના દિવસો ઓછા કરે છે : પરેશ ધાનાણીના પ્રહાર

કોંગ્રેસનો કોવિડ સારવાર, મૃતકોને સહાય, તૌકતે વાવાઝોડા, અતિવૃષ્ટિ સહિતના પ્રશ્નો ઉઠાવી ગૃહમાં વિરોધ

ગાંધીનગર, તા.૨૭: આજથી બે વિધાનસભાનું સત્ર મળનાર છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા છે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું કે સરકાર નિષ્ફળતા છુપાવવા સત્રના દિવસો ઓછા કરે છે, ત્યારે વિપક્ષ સરકારની આ નિષ્ફળતાઓને ઉજાગર કરશે. વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોરોનામાં ૩ લાખથી વધુ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે તેવું પરેશ ધાનાણીએ કોરોના પીડિત પરિવારોને પૂરતું વળતર મળે તેવા પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે તેવું કહેતા સરકારની મનસા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે વિધાનસભામાં ઉપાધ્યક્ષનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે અગાઉ કોંગ્રેસની સત્તામાં વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનતા પરતું આવખતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેમાં સત્તાપક્ષ જ શાસન ચલાવે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારાનું નામ આગળ કર્યું છે. મહત્વનું છે કે આજે  કોંગ્રેસ વિધાનસભાના સત્ર પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી, જેને લઈને મનાઈ રહ્યું છે કે આ બે દિવસ ચાલનાર વિધાનસભા સત્ર પણ હંગામેદાર બનશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ કોવિડ સારવાર, મૃતકોને સહાય, તૌકતે વાવાઝોડા, અતિવૃષ્ટિ સહિતના પ્રશ્નો ઉઠાવી ગૃહમાં વિરોધ કરે તેવું મનાઈ રહ્યું છે.

આજથી બે દિવસનું વિધાનસભા ચોમાસું સત્ર પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળેલ.વિપક્ષ નેતાની ચેમ્બરમાં મળેલ કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં સંસદીય બાબતો પર ચર્ચા થયેલ, તેમજ પાક નુકસાની સહાય, તૌકતે વાવાઝોડાની સહાયની વિસંગતતા પર તથા, કોરોનામાં મરણ પામનારના પરિવારને સહાય આપવા બાબતે, અને રાજ્યમાં મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે ચર્ચા કરેલ. આ બેઠક સાથે જ સત્તાપક્ષને ગૃહમાં ઘેરવા બાબતે રણનીતિ તૈયાર કરાયેલ.

(3:39 pm IST)