Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રનો પ્રારંભઃ કોંગ્રેસનો નવતર વિરોધ

નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્યક્ષઃ કોંગી ધારાસભ્યો ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ કોવિડમાં મૃતક પરિવારજનોને ૪ લાખની સહાય સાથે કોરોના વોરીયરને નોકરી આપવાની પણ માંગ કરી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ   ગુજરાત વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રમાં વિધાનસભા ગૃહમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું  પાટલી થપથપાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ તરીકે મહિલા નિમાબેન આચાર્યની   વરણી કરવામાં આવી છે. તો બીજી બાજુ વિરોધ પક્ષે ગૃહ શરૂ થતા પહેલા જ પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો હતો.

 વિધાનસભા અધ્યક્ષ તરીકે પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની વરણી થઇ છે. જોગવાઈ પ્રમાણે, ગૃહ શરૂ થયુ ત્યારે સૌ પહેલા જ અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પછી સર્વાનુમતે તેમની વરણી કરવામાં આવી છે. આ પછી ગૃહની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. સીએમ અને વિપક્ષના નેતા નીમાબેનને સ્પીકર ચેર સુધી સન્માનપુર્વક દોરી ગયા હતા. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આજનો દિવસ મહત્વનો છે. ૧૯૬૦થી આજે પહેલી વખત મહિલા વિધાનસભા અધ્યક્ષ બન્યા.

 સ્પીચ દરમિયાન નીતિન પટેલ ગૃહમાં મોડા આવ્યા હતા. ગઇકાલે ધારાસભ્યોની બેઠકમાં પણ નીતિન પટેલે મોડી હાજરી આપી હતી. નીતિન પટેલના આગમન સમયે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જોરથી બૂમ પાડીને આવકાર્યા હતા. નીતિન પટેલે વિધાનસભાના નવા સ્પીકર નીમાબેન આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ નીતિન પટેલે કહ્યું હતુ કે, અત્યાર સુધી વરસાદ ખેંચાયો હતો પણ નીમા બેનના આવવા સાથે વરસાદ પણ પડ્યો. ભૂપેન્દ્રભાઇની નવી સરકાર સાથે નવા અધ્યક્ષ સાથે ફુલ ગુલાબી વાતાવરણ સર્જાયુ છે. વર્ષો પછી હવે ગુજરાતમાં વિધાનસભા અધ્યક્ષની કેબિનમા હવે મહિલાનો ફોટો પણ જોવા મળશે.

ગૃહ શરૂ થતા પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેઓ વિધાનસભામાં પોસ્ટર પહેરીને આવ્યા હતા. તેમણે કોવિડ મૃતક પરિવારનો ૪ લાખ સહાય આપવાની માંગ સાથે કોરોના વોરિયરને નોકરી આપવાની પણ માંગ કરી હતી.

(4:40 pm IST)