Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરતમાં 2 એપાર્ટમેન્‍ટમાં એક સાથે નવ કોરોના કેસ આવતા 408 લોકોને કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં મુકીને સઘન પોલીસ બંદોબસ્‍ત

જો કે 77 બાળકોના રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

સુરતઃ છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરતના એક એપાર્ટમેન્ટમાં સાગમટે કોરોનાના 9 દર્દીઓ પોઝિટિવ આવતા આખુ એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે અને 408 લોકોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સઘન વોચ રાખવામાં આવી રહી છે.

અઠવાલાઇન્સ ઝોનના ઈન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા મેઘમયુર એપાર્ટમેન્ટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ 9 કેસ મળતાં એરપાર્ટમેન્ટને સીલ કરાયું છે. આ એપાર્ટમેન્ટનું એક વૃદ્ધ દંપતી ધાર્મિક કાર્યક્રમમાં જતાં ત્યાંથી સંક્રમિત થયું હતું, જેમનો ચેપ વોચમેનને લાગ્યા બાદ બાકીના 6 સભ્યો પોઝિટિવ થયા હતા. પાલિકાએ અઠવા-રાંદેર મળી કુલ 26 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેના કારણે મેઘમયુર એપાર્ટમેન્ટના 168 રહીશો 14 દિવસ માટે ઘરની બહાર નીકળી શકશે નહીં.

રાંદેર ઝોનમાં પાલ રોડના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10થી 14 વર્ષના 3 બાળક સહિત 9 કેસ છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ નોંધાયા છે. જેને પગલે આ એપાર્ટમેન્ટ સીલ કરી દેવાયું છે. કેસ વધતા એપાર્ટમેન્ટમાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી છે. જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતા 77 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા બાળકો ઓનલાઈન ભણે છે પણ સોસાયટીના ગણેશોત્સવમાં જમણવારમાં ગયા હતા.

સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં ગત શનિવારે પ્રથમ બાળકનો કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ પોઝિટિવ નોંધાયો હતો ત્યાર બાદ વધુ એક બાળકનો આરટીપીસીઆર પોઝિટિવ આવતાં ધનવંતરી રથ મૂકી ટેસ્ટિંગ કરાયું છે. આ એપાર્ટમેન્ટમાં 9 કેસ પોઝિટિવ નોંધાતાં એપાર્ટમેન્ટનું એ અને બી બંને વિંગને ક્લસ્ટર જાહેર કરી સીલ કરાયા છે. બંને વિંગના કુલ 240 લોકોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચના આપી છે. રાંદેરના આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમે કરેલી તપાસમાં બાળકો ઓનલાઈન ભણે છે સ્કૂલમાં જતા નથી. પરંતુ ગણેશોત્સવમાં જમણવારમાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા ત્યાં ગયા હોવાની હિસ્ટ્રી મળી છે.

(5:14 pm IST)