Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરતના પાલ રોડ .પર આવેલા એપાર્ટમેન્‍ટમાં એક સાથે 3 બાળકો સહિત 5 ને કોરોના પોઝીટીવ આવતા આરોગ્‍ય વિભાગમાં દોડધામ

એપાર્ટમેન્‍ટ સીલ કરાયુઃ અન્‍ય બાળકો અને રહેવાસીઓના સેમ્‍પલ લેવાયા

સુરત: સુરતમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે સુરતના પાલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. સુરતમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે, 7 દિવસમાં 5 કેસ મળતાં સુરત મહાનગર પાલિકા દ્વારા સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, સુરતમાં એક દિવસ પહેલા મેઘમહેર બિલ્ડિંગમાં એક સાથે 9 કેસ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના પાલ રોડ પર આવેલા સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષના ત્રણ બાળકો સહિત પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ આરોગ્યની ટીમ દોડતી થઈ હતી.

સુરતના સુમેરુ સિલ્વર લીફમાં બાળકોના કેસ પોઝિટિવ આવ્યા બાદ બિલ્ડિંગના તમામ બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આખી બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો દ્વારા વેક્સીન લેવામાં ન આવી હોય તેવા તમામ લોકોને વેક્સીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહત્વની વાત છે કે, સુરતના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમાં પોઝિટિવ આવેલા બાળકોમાં શરદી, ખાંસી અને તાવના લક્ષણો જોવા મળ્યાં હતા. જો કે, એકપણ ગંભીર કેસ સામે આવ્યો નથી.

(5:32 pm IST)