Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પક્ષના શહેરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી

વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ શ્રી જેઠાભાઇ ભરવાડને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીમંડળના સભ્યોશ્રીઓ સહિત શાસક પક્ષના સભ્યશ્રીઓએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવીઃ ૧૪મી ગુજરાત વિધાનસભાના નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભાનાં અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા વિધાનસભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે શ્રી જેઠાભાઇ ભરવાડના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે બહુમતીથી પસાર થઇ હતી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે આજે ભારતીય જનતા પક્ષના શહેરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે.

૧૪મી ગુજરાત વિધાનસભાના નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભાનાં અધ્યક્ષ શ્રીમતી  ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા વિધાનસભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે શ્રી જેઠાભાઇ ભરવાડના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે બહુમતીથી પસાર થઇ  હતી.

વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ શ્રી જેઠાભાઇ ભરવાડને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીમંડળના સભ્યોશ્રીઓ સહિત શાસક પક્ષના સભ્યશ્રીઓએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડનો પરિચય:

શ્રી જેઠાભાઇ ઘેલાભાઇ ભરવાડ ૧૨૪-શહેરા મત વિભાગ (પંચમહાલ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૦૧ જૂન ૧૯૫૦ના રોજ અણિયાદ ખાતે થયો છે. તેઓએ બી.એ., ફર્સ્‍ટ એલએલ. બી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ દસમી, અગીયારમી, બારમી અને તેરમી વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.  તેઓએ પંચમહાલ દૂધસંઘ, ગોપાલક વિકાસ મંડળ, ગોપાલક સહકારી મંડળી, અણિયાદ દૂધ મંડળી, તથા ખરીદ-વેચાણ સંઘ, શહેરાના ચેરમેન તરીકે સેવા આપી છે. તેઓને વાંચન અને રમત-ગમતનો શોખ છે.

(5:55 pm IST)