Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરતનો ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર અઢી ફૂટ દૂર

૯ દરવાજા ખોલીને ૧ લાખ ક્યુસેક પાણી છોડાયું : તમામ સ્થિતિઓ પર નજર રાખવા માટે તંત્રને આદેશ, તાપીમાં પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

સુરત,તા.૨૭ : ગુલાબ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર પણ વરતાઈ રહી છે. એમના સર્જાતાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધે તે પ્રેરણા ઉકાઈ ડેમના સંચાલકો દ્વારા સુરતની તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી શક્યતાને લઇને સુરત મહાનગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કર્યા છે.

ઉકાઈના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈમાં સતત પાણીની આવક થઈ થઈ રહી છે. ઉકાઈનું રુલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યાં ડેમમાંથી આજ રોજ બપોરના બાર વાગ્યા બાદ ૧.૨૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે વધારી ૧.૫૦ લાખ સુધી કરવામાં આવશે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જારી કરવામાં આવેલ પરિપત્ર મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદની પરિસ્થિતિને અનુરૂપ પાણી છોડવામાં આવી રહ્યું છે.

 ડેમની હાલની સપાટી ૩૪૨.૨૫ ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. જેને જાળવી રાખવા તંત્ર તરફથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના પગલે સુરતનો વિયર કમ કોઝવે પોતાની ભયજનક સપાટી ૬ મીટરથી ઉપર વહી રહ્યો છે. તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતા સૂર્યપુત્રી તાપી નદી બંને કાંઠે વહી રહી છે.

જો કે નિચાણવાળા વિસ્તારો પણ સતત મોનીટરિંગ કરવા અંગેની સૂચના પણ સુરત મહાનગરપાલિકાને આપવામાં આવી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટીથી માત્ર અઢી ફૂટ જેટલું દૂર હોવાથી હવે વહીવટી તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક જોતા પાણી વધુ છોડવામાં આવી રહ્યું છે.

જેને કારણે તાપી નદીની આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ન ભરાય તેના માટે પણ સ્થાનિક અધિકારીઓ અને સાવજ કરવામાં આવ્યા છે અને તમામ સ્થિતિઓ પર નજર રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

(9:32 pm IST)