Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રિવરફ્રન્ટ પર છેલ્લા 11 મહિનાથી સી પ્લેન સેવા બંધ: નવા પ્લેન ખરીદવા 120 કરોડની કેન્દ્ર સરકાર પાસે માગણી : લખ્યો હતો પત્ર

મંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય એ માટે પ્રયાસ કરશે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર સી પ્લેનની સુવિધા છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ છે. જેના કારણે હાલ લોકોમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ સુવિધા બંધ થતા તંત્ર દ્વારા પ્લેન રિપેરીંગમાં ગયું હોવાનું જણાવી રહ્યું છે. આ પ્લેનની ફકત 284 વખત જ ઉડાન ભરવામાં આવી છે. જો કે, આ સુવિધા ક્યારે શરુ કરવામા આવશે એ નિશ્ચિત નથી.

અમદાવાદ રિવરફ્રન્ટ પર ગત 31મી ઓક્ટોબર 2020માં કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જો કે, પ્લેનમાં એક સાથે 19 લોકો મુસાફરી કરી શકે તેવી સુવિધા છે. જો કે, શરુઆતમાં આ પ્લેનને લઈ લોકોમા ભારે ખુશી પણ જોવા મળી હતી. પરતું છેલ્લા કેટલાક મહિનાઓથી પ્લેન પરત ન દેખાતા લોકોમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે અને પ્લેન માલદિવ રિપેર કરાવવા મોકલવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે.

અગાઉ રાજ્યની તત્કાલીન વિજયભાઈ  રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિયેશનમંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય એ માટે પ્રયાસ કરશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800 થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદશકા પ્રમાણે સી-પ્લેન માટે પાણીની સપાટી ઓછામાં ઓછી છ ફુટની હોવી જોઇએ.

(9:41 pm IST)