Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રોનકથી ભરપૂર ધંધો નીકળવાની આશા

વેપારીઓની દિવાળી સુધરશેઃ બજારમાં રોનક દેખાવા લાગી લોકો કાપડ, રેડીમેડ, ઘરવખરી ખરીદવા તૂટી પડયા

રાજકોટ,વડોદરા,અમદાવાદ, તા.૨૭: વેપારીઓ, નાના રિટેલરો તથા ફૂટપાથ પર બેસીને ધંધો કરનારા વર્ગની દિવાળી આ વર્ષે સુધરી જાય એવા ચિહનો મળ્યા છે. વર્ષના સૌથી મોટાં તહેવારને હવે આઠ-નવ દિવસનો સમય બાકી છે. એ પૂર્વે બજારમાં દેખાય રહેલી રોનકથી ભરપૂર ધંધો નીકળવાની આશા છે. રાજકોટ, વડોદરા, અમદાવાદ હોય કે સુરત તમામ શહેરોમાં ઘરાકી સતત વધી રહી છે.

છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીને લીધે વેપારીઓના ટર્નઓવર સાવ તળિયે જતા રહ્યા હતા પરંતુ હવે માગ વધતી જાય છે એ કારણે છૂટક વેપારીઓને કમાણી થાય એમ છે. રાજકોટ શહેરમાં ગત રવિવારથી ખૂબ ઉત્સાહ જોવાયો છે. કાપડ, બૂટ-ચપ્પલ, રેડીમેડ ખરીદવા ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ગુંદાવાડી, અને આસપાસની બજારોમાં તૂટી પડ્યા હતા. શહેરના મોલ પણ ચિક્કાર ગિર્દીથી ભરેલા હતા. મોલમાં તો હૈયે હૈયુ દળાય એટલી ભીડ હતી.

ખરીદી માટે હજુ આ પ્રથમ રવિવાર હતો. દિવાળી પહેલા હજુ એક રવિવાર આવે છે ત્યાં સુધીમાં લોકોના હાથમાં બોનસ અને પગારની રકમ પણ આવી જવાની શકયતા છે એટલે ખરીદીમાં મોટો વધારો થશે તેમ વેપારીઓએ કહ્યું હતુ. વેપાર કરવામાં અત્યારે રાતનો કરફ્યુ નડતરરૃપ છે એમ વેપારીઓ અને રાજકોટ ચેમ્બર પણ કહી રહી છે. મહારાષ્ટ્રની માફક હવે કોરોનાના તમામ નિયંત્રણો હટાવી દઇને છૂટથી વેપાર કરવા દેવામાં આવે તેવી માગણ થઇ રહી છે. ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ પ્રનંદ કલ્યાણી કહે છેકે, રાજકોટમાં રવિવારે અને આડા દિવસોમાં રાત્રે ખરીદીનો સમય હોય છે. એ સમયે રાત્રિ કરફ્યુ નડે છે. કારણકે અત્યારે દસ વાગ્યે દુકાનો બંધ કરવાનો નિયમ છે. તે હટાવીને હવે છૂટથી ધંધો કરવા દેવો જોઇએ.

હવે ગુજરાતમાં કોરોનાના નવા કેસ નહીવત આવે છે એ કારણે નિયંત્રણો ફકત નામ પૂરતા રહ્યા છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં પણ તહેવાર અને ગિર્દીને કારણે દ્યણી વખત બેદરકારી રાખતા જોવા મળે છે. જોકે મહત્વની વાત એછેકે હવે રસીકરણ મોટાંપાયે થઇ ગયું છે એટલે રાહત છે.

વડોદરામાં પણ હવે ઘરાકી વધી રહી છે. રવિવારે બજારમાં રોનક વધતા વેપારીઓને દિવાળી સુધરવાની આશા જાગી છે. હોલસેલ અને રીટેલ માર્કેટમાં ઘરાકી નીકળતા તે જોતા આગામી સમયમાં બજારમાં રોનક દેખાશે.

દિવાળીની પર્વ શ્રૃંખલા ૧ નવેમ્બરથી શરૃ થઇ રહી છે. એ પહેલા વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ખરીદીની ભારે ભીડ જોવા મળી હતી. રવિવાર સવારથી માનવ મહેરામણ ઉમટયો હતો બજારમાં રોનક વધતા વેપારીઓને પણ દિવાળી સુધી સારો વકરો થવાની આશા છે. હવે ધીરે ધીરે રાત્રે પણ ખરીદી વધશે.લૃ

વેપાર વિકાસ એસોસીએશનના રમેશ પટેલનું કહેવું છે કે કોરોના મહામારીમાં પાછલા વર્ષે દિવાળી ફિક્કી રહી હતી ત્યારે કેસ ઓછા થતાં અને સરકાર તરફથી છૂટછાટ મળતા ચાલુ વર્ષે દિવાળીમાં રોનક પરત ફરી છે.

રવિવારે વડોદરા-શહેર જિલ્લો ઉપરાંત છોટાઉદેપુર ભરૃચ ખેડા સહિતના જિલ્લાઓમાંથી લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. એક અંદાજ મુજબ ચાર દરવાજા વિસ્તારમાંથી ૧૦ થી ૧૨ કરોડ રૃપિયાનું વેચાણ થયું હોવાનું વેપારીઓનું કહેવું છે.

ગિફ્ટ આર્ટીકલમાં વીસ ટકા સુધીનો ભાવવધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. કાપડ, ઘરવખરી, બૂટચપ્પલ અને શણગારના સાધનોની માગ વધતી જાય છે. એ જોતા આ વર્ષે દિવાળી સુધરશે એમાં મીનમેખ નથી.

(9:41 am IST)